જામનગર : જામનગરમાં ગઈ કાલે નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ આનંદ સોસાયટીમાં થયેલ ચોરીનો આંક અડધા કરોડ આસપાસ પહોચ્યો છે. બંધ મકાનમાંથી તસ્કરો એક કિલો ઉપરાંત સોનાના દાગીના અને દોઢ કિલો ચાંદી સહીત રૂપિયા ૪૬.૬૫ લાખના દાગીનાની ચોરી થવા પામી છે. તસ્કર કે તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી માત્ર તિજોરીમાં પડેલા દાગીના પર જ નજર સ્થિર કરી હોવાનું સામે આવ્યું છે કેમકે બેગમાં રહેલા બે લાખ રૂપિયાની રોકડ પર નજર સુધ્ધા પણ કરવામાં આવી નથી. આ ચોરી પાછળ જાણભેદુ તસ્કરો સંડોવાયેલ હોવાની આશંકા સાથે પોલીસે તપાસ શરુ કરી છે.
જામનગરમાં નવાગામ ઘેડ આનદ સોસાયટીમાં રહેતા અને ખાનગી સિક્યોરીટી એજન્સી ધરાવતા આફતાબ મનોવરઅલી શેખના બે માળ વાળા મકાન પૈકી નીચે બંધ રહેલ મકાનને તસ્કરોએ શુક્રવારે રાત્રે નિશાન બનાવ્યુ હતું. રહેણાક મકાને વંડી ટપી મકાનમા પ્રવેશી અજાણ્યા સખ્સો નીચે મકાનના હોલનુ તાળુ તોડી અંદરના રૂમમા ઘુસ્યા હતા. જ્યાં માળીયાના દરવાજાનુ તાળુ તોડી માળીયા અંદર રાખેલ લાકડાની પેટીનો નકુચો તોડી પેટી અંદર રાખેલ સોનાના અલગ અલગ દાગીના કુલ વજન-૧૩૧.૩ તોલા હાથ વગા કરી લીધા હતા. રૂપિયા ૪૫,૯૫,૫૦૦ની કીમતના સોનાના દાગીના અને રૂપિયા ૭૦ હજારની કિંમતના દોઢ કિલો વજનના ચાંદીના દાગીના મળી કુલ પોણા ત્રણ કિલો વજનના સોના ચાંદીના દાગીના ઉસેડી નાશી ગયા હતા. મકાનમાલિક એક વાગ્યા સુધી જાગતા હતા ત્યારબાદ સુઈ ગયા પછી સવાર સુધીના ગાળામાં ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.
જે રૂમમાંથી ચોરી થઇ તે રૂમમાં આફતાબભાઈના પિતાજી સુવે છે પરંતુ ગઈ કાલે તેઓ બાજુમાં રહેતા જહાંગીરભાઈને ત્યાં સુતા હતા. જેથી મકાનને તાળા હતા. બીજી તરફ રૂપિયા બે લાખની રોકડ ભરેલ સુટકેશ પર તસ્કરોએ નજર સુધ્ધા પણ ન કરી હોવાનું સામે આવ્યું છે. જેથી બે લાખની રોકડ બચી ગઈ છે. આફતાબભાઈ અને તેના અન્ય ચાર મળી પાંચ ભાઈઓના પરિવારના દાગીના પિતાના રૂમમાં લોક એન્ડ કી રાખવામાં આવ્યા હતા. જે દાગીનાઓની ચોરી થઇ જતા પોલીસે જાણભેદુ સખ્સો સામે શંકાની સોય તાણી આ દિશામાં તપાસ હાથ ધરી છે.