અમરેલી જિલ્લામાં બિયારણ વેચતા એક વેપારીના ખરાબ બિયારણની ફરિયાદને લઈને સરપંચ દ્વારા 3 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેને લઇને એસીબી આજે ટ્રેપ ગોઠવી સરપંચને રોકડા 3 લાખની લાંચ લેતા પકડી પાડયા છે. જોકે સરપંચ દ્વારા પ્રથમ પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ લાખ નક્કી કર્યા હતા.
એક અરજદાર સીંગદાણાના બિયારણનો વેપાર કરતા હોઈ જેની પાસેથી નાના મુંજીયાસાર ગામના ખેડૂતોએ બિયારણ ખરીદ કર્યું હતું. જે બિયારણ ખરાબ નીકળતા ખેડૂતોએ ફરિયાદી વેપારીને વાત કરી હતી. જેથી ફરિયાદીએ ખરાબ બિયારણ પેટે ખેડુતોને વળતર આપેલ. જે બાબતની અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંજીયાસર ગામના સરપંચ મનસુખભાઇ બચુભાઈ ક્યાડાને જાણ થઇ હતી.
જાણ થતાં આરોપી સરપંચે ફરિયાદીને ટેલીફોનીક સંપર્ક કરી, પ્રકરણને આગળ નહીં વધારવા પેટે રૂપિયા ૫,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જે રકઝકના અંતે રૂ. ૩,૦૦,૦૦૦ આપવાના નક્કી થયુ હતું. જે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય જૂનાગઢ એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપી હતી. ફરીયાદીની ફરીયાદના આધારે જૂનાગઢ એસીબીએ આજે મારુતિ ઓઇલ મીલ પાસે, ભેસાણ રોડ,જૂનાગઢ ખાતે લાંચના છટકાનું આયોજન કર્યુ હતું. જેમા આરોપી સરપંચે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂ. ૩,૦૦,૦૦૦ ની ગેર કાયદેસર રીતે લાંચની માંગણી કરી સ્વીકારી, લાંચની રકમ સાથે સ્થળ ઉપર આબાદ પકડાઈ ગયા હતા. સરપંચે પોતાના સરપંચ તરીકેના હોદ્દાનો દુર ઉપયોગ કરી લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ એસીબીએ આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.