જામનગરમાં શિવમ પાર્ક સોસાયટીમાં માતબાર ચોરીના બનાવ બાદ એલસીબીએ તપાસ હાથ ધરી એક સખ્સને મુદામાલ સાથે આંતરી લીધો છે. આરોપીએ વેપારીના બંધ મકાનને ટાર્ગેટ કરી રૂપિયા ત્રીસ લાખની રોકડ અને ૨.૩૦ લાખના દાગીના તેમજ એક મોબાઈલ ફોનની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
જામનગરમાં શીવમપાર્ક -૩ પ્લોટ નંબર-૨૧૭, મેહુલનગર ટેલીફોન એકચેન્ઝ રોડ પર આવેલ નીલેશભાઈ લવજીભાઈ દોમડીયા નામના વેપારીના તા.૧૦/૮/૨૦૨૧ થી તા.૦૧/૦૨/૨૦૨૨ના ગાળા દરમિયાન બંધ રહેલ મકાનને કોઈ ચોર સખ્સે નિશાન બનાવ્યું હતું. મકાનના દરવાજા બહાર મારેલ તાળાને ચાવીથી જ ખોલી અંદર પ્રવેશ કરી કોઈ સખ્સ કબાટના લોકને ખોલી અંદરથી રોકડ રૂપીયા ૩૦,૦૦,૦૦૦ તથા સોનાના દાગીના કિ.રૂ. ૨,૩૦,૦૦૦ તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. ૨૦,૦૦૦ મળી કુલ રૂ. ૩૨,૫૦,૦૦૦ની ચોરી કરી લઇ ગયા હતા. પોલીસે મકાન માલિકની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.
જેમાં એલસીબી પોલીસને મળેલ ચોક્કસ હકીકતને લઈને ગઈ કાલે જ ખોડિયાર કોલોની વિસ્તારમાં મેર સમાજ પાસેથી એક મોટર સાયકલ સાથે ઉભેલ જશ્મીનભાઈ મનસુખભાઈ વિરાણી નામના સખ્સને આંતરી લીધો હતો. પોલીસે આ સખ્સને પકડી પાડી પૂછપરછ કરી હતી. જેમાં આ સખ્સે ચોરી કરી હોવાની કબુલાત કરી રૂપિયા ત્રીસ લાખની રોકડ અને સોનાના દાગીના કાઢી આપ્યા હતા. પોલીસે આ સખ્સની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.