જામનગર : પાટણ અને મહેસાણા જીલ્લામાં એસીબીએ આજે બે ટ્રેપ કરી છે, જેમાં સરકારી કામ કરાવવાનો જાણે ભાવ જાહેર થયો હોય તેમ તલાટી મંત્રીએ ૫૧ હજાર જયારે જીલ્લા પંચાયતના કલાર્કે માત્ર ૩૦૦ રૂપિયામાં ઈમાનદારી વેચી નાખી હોવાનું સામે આવ્યું છે.
એસીબીની ટીમે આજે ઉતર ગુજરાત પર નજર દોડાવી હોય તેમ બે લાંચિયા સરકારી બાબુઓને પકડી પાડ્યા છે. પાટણ જીલ્લા જીલ્લાના વધાસર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દિપાલીબેન હરગોવિંદભાઈ પટેલને એસીબીની ટીમે રૂપિયા ૫૧ હજારની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યા છે. ડીસા તાલુકાના ભૂતિયાવાસણા ગામના નાગરિકોએ પ્રધાન મંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરી નાણાકીય સહાયની માંગણી કરી હતી. જેને લઈને ગામના ૪૨ લાભાર્થીઓની ગ્રાન્ટ પાસ થઇ હતી. આ ગ્રાન્ટ છૂટી કરવામાટે તલાટી દિપાલીબેને પ્રતિ અરજદાર પાસેથી રૂપિયા ૧,૨૬૦૦૦ની લાંચ માંગી હતી જેમાં એક નાગરિકે એસીબીને ફરિયાદ કરી હતી જેના આધારે આજે એસીબીએ પાટણ ખાતે શિહોરી રોડ પર આવેલ ચાની લારી પર ટ્રેપ ગોઠવી હતી. જેમાં મહિલા તલાટી ફરિયાદી પાસેથી ૪૨ અરજદારો વતી પ્રથમ હપ્તા રૂપે રૂપિયા ૫૧ હજાર લેતા આબાદ પકડાઈ ગયા હતા.
જયારે મહેસાણા જીલ્લા પંચાયતમાં એકાઉન્ટ શાખામાં સીનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નાગજીભાઈ ચાવડાએ કોન્ટ્રાક્ટરને ચેક આપવા બાબતે રૂપિયા ૩૦૦ની માગણી કરી હતી જેને લઈને મહેસાણા એસીબીએ છટકું ગોઠવી કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા ૩૦૦ લેતા ક્લાર્ક આબાદ પકડાઈ ગયા હતા. એસીબીએ ક્લાર્કની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.