ACB ટ્રેપ: જમાદાર-પટ્ટાવાળો પોલીસ સ્ટેશનમાં ટેબલ નીચેથી લઇ 10 હજાર ખિસ્સામાં નાખતા પકડાઈ ગયા

0
1522

જામનગર: રાજ્ય સરકારમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હોય છે અને એ ફરિયાદો એસીબીની કાર્યવાહી દરમિયાન સમયાન્તરે સાચી પણ ઠરતી રહી છે. આવી જ એક રાવ દાહોદ પોલીસ દફતરના જમાદાર સામે મળતા એસીબીએ પોલીસ દફતરમાં જ ટ્રેપ ગોઠવી જમાદાર અને પટ્ટાવાળાને રૂપિયા દસ હજારની લાંચ લેતા પકડી પાડ્યા છે. અરજીના તપાસના કામે જમાદારે લાંચ માંગી હોવાની વિગતો સામે આવી છે. એસીબીએ બંનેને ધરપકડ કરી ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદના એક આસામીના સગા ભાભીએ તેના તથા તેના ભાઈ વિરુદ્ધ રૂરલ પોલીસ દફતરમાં અરજી કરી હતી. જેને લઈને દાહોદ જીલ્લાના દાહોદ રૂરલ પોલીસ દફતરમાં ફરજ બજાવતા એએસઆઈ નારણભાઇ રસુલભાઇ સંગાડાએ તપાસ કરી હતી. જો કે અરજીના કામે ફરિયાદીના જામીન પણ થઇ ગયા હતા. જે જામીન કરાવવાના અવેજ પેટે આરોપી જમાદાર નારણભાઈએ ફરિયાદી પાસેથી રૂ.૧૦,૦૦૦ની લાંચની માગણી કરી હતી., જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેને લઈને એસીબી ગાંધીનગરના મદદનીશ નિયામક એકે પરમારના સુપરવિજન સાથે ગાંધીનગર એસીબીના પીઆઈ  એચ. બી. ચાવડા સહિતના સ્ટાફે આજે દાહોદ રૂરલ પોલીસ દફતરમાં અંદર જ ટ્રેપ ગોઠવી હતી. જેમાં જમાદાર નારણભાઈ અને પોલીસ દફતરમાં વોટર મેન પટ્ટાવાળા તરીકે નોકરી કરતા કનુભાઇ રાવજીભાઇ રાવતને હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧૦,૦૦૦ની લાંચ લેતા પકડી પાડ્યા હતા. ગાંધીનગર એસીબીએ બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

NO COMMENTS