ફલ્લાની વિદ્યાર્થીની અને સુરતના હીરાઘસુએ આવી રીતે નાગરિકોને બુચ માર્યું

0
1758

જામનગરમાં ખાનગી બેંકના નામે ફોન કરી ઓછો સિબિલ સ્કોર હોવા છતાં પણ ગ્રાહકોને લોન આપવાના બહાને છેતરપિંડી કરતા બંટી બબલીને સાઇબર ક્રાઇમ પોલીસે પકડી પાડ્યા છે સોશિયલ મીડિયામાં અલગ અલગ પેજ બનાવી જાહેરાત આપી આ શખ્સો કૌભાંડ આચરતા હોવાની વિગતો સામે આવી છે પોલીસે જામનગર તાલુકાના ફલ્લા ગામની ઈશિતા અને સુરતના વિરલની ધરપકડ કરી છે.

ફેસબુક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જયપુર બેન્કના નામે સોશિયલ મીડિયામાં અલગ અલગ પેજ પરથી જામનગર જિલ્લાના અમુક નાગરિકોને લોન અપાવી દેવાની જાહેરાતો મળવા લાગી હતી. ઓછા સીબીલ સ્કોર હોવા છતાં સસ્તા વ્યાજ દર લોન અપાવી દેવાના બહાને આધાર કાર્ડ અને પાનકાર્ડ મેળવી લોન પ્રોસેસિંગ ચાર્જ પેટે રૂપિયાની છેતરપિંડી આચરવાની શરૂઆત થઈ હતી. આવી જ એક ફરિયાદ જામનગર સાઈબર ક્રાઇમ પોલીસને મળી હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા વિશેષ ટેકનિકલ એનાલિસિસ તથા બેન્ક સ્ટેટમેન્ટ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીનું લોકેશન જામનગર જિલ્લાના ફલ્લા ગામ તથા અન્યનું લોકેશન રાજકોટ તરફ આવ્યું હતું. જેને લઈને સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ફલ્લા ગામેથી જાનકી ઉર્ફે ઇશિકા રવજીભાઈ ધમસાણીયા નામની 21 વર્ષની યુવતી અને રાજકોટ માં રહેતા મૂળ સુરતના હીરા ઘસવાનું વ્યવસાય કરતા વિરલભાઈ શ્રેયાસ જગદીશભાઈ સિધપુરાને પકડી પાડ્યા હતા.

જામનગરના શખ્સ સાથે આ બંને એ ₹19,850ની છેતરપિંડી કરી હતી જ્યારે વલસાડ અને રાજકોટ મળીને કુલ અન્ય ચાર નાગરિકો સાથે પણ આ બંને બંટી બબલી એ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. બંને શખ્સોએ આસામીઓ પાસેથી રૂપિયા અઢી લાખની છેતરપિંડી આચરી હોવાની વિગતો જાણવા મળી છે.
આ બંને શખ્સો જયપુર બેંક લિમિટેડ, પ્રગતિ ફાઈનાન્સ, આર્યા સ્મોલ ફાઇનાન્સ અને રાજ ફાઇનાન્સ તેમજ વિકાસ ફાઈનાન્સ ના નામે જુદા જુદા પેજ બનાવી સાઇબર ક્રાઇમ આચરતા હોવાની વિગતો સામે આવી છે.

ફલ્લા ગામની યુવતી હજુ અભ્યાસ કરતી હોવાનું અને સુરતનો યુવાન હીરા ઘસતો હોવાની વિગતો સામે આવી છે. બંને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા. પોતાના મોજ શોખ પૂરા કરવા માટે અને કોઈને ખબર ન પડે તે રીતે પૈસાદાર બની જવાની મહેરછાથી બંટી બબલીએ સોશિયલ મીડિયાના સહારે આર્થિક કૌભાંડ આચાર્યું હોવાની વિગતો સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here