ભાવનગર જીલ્લાના મહુવા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા સીનીયર કલાર્કને ભાવનગર એસીબીની ટીમે પંચાયતના ગ્રાઉન્ડમાં જ રૂપિયા દસ હજારની લાંચ લેતા પકડી પાડ્યો છે. બહુહેતુંક પ્લોટના એનએ સર્ટીફીકેટ માટે કલાર્કે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે.
મહુવા તાલુકાના ભાદ્રોડ ગ્રામ પંચાયત વિસ્તારમાં એક આસામીએ બહુહેતુક માટે પ્લોટ એન.એ.કરાવ્યા હતા. જેમાં ઔદ્યોગિક બાંધકામની મંજુરી માટે ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી. ગ્રામ પંચાયત ભાદ્રોડ દ્વારા તાલુકા પંચાયત કચેરી મહુવા ખાતે સ્થળ સ્થિતિના અભિપ્રાય માટે ફાઈલ મોકલવામાં આવી હતી.દરમિયાન તાલુકા પંચાયત મહુવાની વહિવટી શાખાના સિનિયર કલાર્ક કાળુભાઈ ઉર્ફે જયભાઈ ચતુર ભાઈ મેરએ સ્થળ સ્થિતિના અભિપ્રાય માટે ફરિયાદી પાસે ગેરકાયદેસર રૂ.૧૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. આ રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબી ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરી ફરીયાદ કરી હતી, જેને લઈને એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં કલાર્ક તાલુકા પંચાયત પરિસરમાં જ ફરિયાદી પાસેથી રૂપિયા ૧૦,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ પકડાઈ ગયો હતો. એસીબીએ આરોપી સરકારી બાબુની ધરપકડ કરી ફરિયાદ નોંધી છે. આ કાર્યવાહી ટ્રેપીંગ અધિકારી પીઆઈ ડી.કે.વાઘેલા, ભાવનગર એસીબી અને તેની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી.