જામનગર: એ ડીવીજન પીઆઈ એમ જે જલુ પર બુટલેગરનો હુમલો

કોર્ટમાં સરન્ડર થયેલ આરોપીને ડીવીજન લઇ આવી પોલીસે પૂછપરછ શરુ કરતા એક હાથમાં ખુલ્લી હાથ કડી સાથે આરોપીઓએ ઉગ્ર બની પીઆઈ પર કર્યો હુમલો, પોલીસ અધિકારીને હાથની આંગળીમાં ફેકચર, ચાર વીકનો પાટો આવ્યો, આરોપીએ દીવાલમાં માથું અથડાવતા ઈજા પહોચી

0
2364

જામનગર સીટી એ ડીવીજન પોલીસ દફતરના પીઆઈ એમ જે જલુ પર પોલીસ દફતરમાં જ એક બુટલેગરે પૂછપરછ વખતે ઉગ્રતા દાખવી હુમલો કરી દેતા સનસનાટી મચી જવા પામી હતી. આરોપી સામે ગત વર્ષે નોંધાયેલ દારૂ સબંધિત ત્રણ કેસને લઈને કોર્ટમાં સરન્ડર કરતા પોલીસે તેની વિધિવત અટકાયત કરી પોલીસ દફતર લઇ આવી પૂછપરછ શરુ કરતા આરોપીએ પીઆઈ પર હુમલો કરી હાથની આંગળીમાં ફેકચર સહિતની ઈજાઓ પહોચાડી છે. બીજી તરફ એક હાથમાં ખુલી હાથ કડી સાથે આરોપીએ પોતાના માથા દીવાલમાં અથડાવી ઈજા પહોચાડી ખુદને ઈજાઓ પહોચાડતા દવાખાને ખસેડાયો હતો.

જામનગરમાં સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં મંગળવારે રાત્રે સાડા આઠેક વાગ્યે ત્યારે અફરાતફરી મચી ગઈ જયારે પૂછપરછ વખતે ઉગ્ર બની ગયેલ આરોપીએ થાણા અધિકારી મહાવીરકુમાર જલુ પર હુમલો કરી દીધો હતો. સીટી એ ડીવીજન પોલીસમાં ગત વર્ષે દારૂ સંબંધિત ત્રણ ગુના નોંધાયા હતા. આ ગુનામાં આરોપી મહાવીરસિહ દેવાજી ભારાજી જાડેજા ઉ.વ ૩૨ રહે.રણજીતસાગર રોડ પ્રણામીનગર સાંઇબાબાના મંદીર પાસે જામનગર વાળાની સંડોવણી ખુલવા પામી હતી. દરમિયાન આ આરોપીએ ગઈ કાલે કોર્ટમાં સરન્ડર કરતા સીટી એ ડીવીજન પોલીસે આરોપીનો કબજો સંભાળી ડીવીજન લઇ આવી ગઈ કાલે રાત્રે સાડા આઠેક વાગ્યે પૂછપરછ શરુ કરવામાં આવી હતી. આરોપી સામે ગત વર્ષે ૩૧૯૫ બોટલ દારૂ, ૨૧૫ અને ૧૨ બોટલ દારૂ સબંધિત જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધાઈ હતી. આ ત્રણેય પ્રકરણમાં સંડોવણી સામે આવતા પોલીસે શોધખોળ કરી હતી પરંતુ આરોપીની ભાળ મળી ન હતી દરમિયાન ગઈ કાલે આરોપીએ કોર્ટમાં સરન્ડર કરતા પોલીસે તેની કાયદેસરની અટકાયત કરી પૂછપરછ શરુ કરી હતી.

તે દરમ્યાન આરોપી મહાવીરસિંહે પોતાના હાથમાં પહેરાવેલ હથકડી કે જેનો એક છેડો છુટો હોય તેનાથી પોતાના માથામાં મારતા તેમજ પોતાને જે જગ્યાએ બેસાડેલ તેની પાછળની દિવાલમાં માથા ભટકાડતા લોહી નીકળવા લાગતા  પીએસઆઈ એમ.વી.મોઢવાડીયા, પોલીસ કોન્સ્ટેબલ સાજીદભાઇ રફીકભાઇ બેલીમ તથા યોગેન્દ્રસિંહ નિરૂભા સોઢા વિગેરેએ  આરોપીને રોકવા પ્રયાસ કર્યો હતો. જેમાં ઉસ્કેરાયેલ આરોપી મહાવિરસિંહ જાડેજાએ પોતાના હાથમાં પહેરાવેલ હથકડી વડે પીઆઈ એમજે જલુ પર હુમલો કરી દીધો હતો.

જેમાં પીઆઈને જમણા હાથની વચલી આંગળીમાં ફેક્ચરની ઇજા કરી તેમજ ડાબા હાથની વચલી આંગળીમાં મુંઢ પહોચી હતી. ત્યારબાદ હાજર પોલીસકર્મીઓએ આરોપીને કાબુમાં લેવા બળપ્રયોગ કરી શાંત કર્યો હતો. આ બનાવના પગલે પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી. હાથમાં ઈજા પહોચતા પીઆઈ જલુને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને જમણા હાથની વચ્ચેની આંગળીમાં ફેકચર તથા અન્ય હાથની આંગળીમાં મુંઢ ઈજા હોવાનું  સામે આવ્યું હતું.  બીજી તરફ આરોપીને પણ માથામાં ઈજાઓ પહોચતા જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર લીધા બાદ પરત પોલીસ દફતરે લઇ જવાયો હતો. આ બનાવ અંગે પોલીસે આરોપી મહાવીરસિંહ  સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here