જામનગરમાં એસટી રોડ પર આવેલ શિવકૃપા ફાયનાન્સની ઓફીસે બોલાવી ઓફીસ માલિક અને તેના ભાગીદારે એક યુવાન પાસેથી વ્યાજ મુદ્દલની પઠાણી ઉઘરાણી કરી સખ્ત માર મારી મોબાઇલની લુંટ ચલાવ્યાની સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. યુવાને ચારેક વર્ષ પૂર્વે આરોપીઓ પાસેથી લીધેલ સાડા ત્રણ લાખની મૂડી સામે પાંચ ટકા લેખે ચારેક લાખ જેટલી વ્યાજની ચુકવણી કરી દેવા છતાં પણ આરોપીઓ દ્વારા સાડા સાત લાખ રૂપિયાની આકારણી કરી માર મારી મોબાઇલની લૂંટ ચલાવી માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.
જામનગરમાં ગઇકાલે રાત્રે આઠેક વાગ્યા આસપાસ એસટી રોડ પર આવેલ શિવકૃપા ફાયનાન્સ નામની ઓફિસમાં રણજીતસાગર રોડ પર આવેલ પુષ્કરધામ સોસાયટીમાં રહેતાં મૂળ ખીજડિયા ગામના પંકજભાઇ વિનોદભાઇ મુંગરા (ઉ.વ.31) નામના યુવાનને ઓફિસધારક મયુરસિંહ જાડેજા અને શક્તિસિંહ જાડેજાએ લાકડાના ધોકા વડે માર મારી પગના ભાગે ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત બન્ને શખ્સોએ યુવાન પાસે રહેલ 15000 ની કિંમતનો મોબાઇલ પણ લૂંટી લીધો હતો. આ બનાવ અંગે પંકજભાઇએ બન્ને શખ્સો સામે સિટી એ ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી મયુરસિંહ પાસેથી તેઓએ ચારેક વર્ષ પૂર્વે પાંચ ટકાના વ્યાજે રૂપિયા સાડા ત્રણ લાખની મૂડી ઉપાડી હતી. આ મૂડી સામે તેઓ નિયમિત વ્યાજની રકમ ભરતા અને આજ દિવસ સુધીમાં ચારેક લાખ રૂપિયા ચુકતે કરી દીધા હતાં. તેમ છતાં પણ આરોપી મયુરસિંહ સાડા સાત લાખ રૂપિયા બાકી છે તેમ કહી અવારનવાર ધાકધમકીઓ આપતા હતાં. આ જ બાબતને લઇને ગઇકાલે તેઓએ ઓફિસ બોલાવી સાડા સાત લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી તેના પાર્ટનર શક્તિસિંહ સાથે મળીને માર મારી મોબાઇલની લૂંટ ચલાવી હોવાનો આરોપ લગાવ્યો છે.
સિટી એ ડિવિઝન પોલીસે બન્ને શખ્સો સામે આઇપીસી કલમ 386, 392, 323, 504, 506(2) સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધી પીઆઇ એમ.જે.જલુ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.