જામનગર અપડેટ્સ : યુનિયન પબ્લિક સર્વિસ કમીશન દ્વારા લેવાયેલ વર્ષ ૨૦૨૦ની પરીક્ષાનું અંતિમ પરિણામ ગઈ કાલે આવ્યું છે. એક સાથે ગુજરાતના ૨૦ ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી સર્વોચ્ચ્યતા સિદ્ધ કરી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાંત અધિકારી કેશવાલાનો પણ સમાવેશ થાય છે. નોકરીની સાથે અથાક મહેનત કરી સામાન્ય પરિવારના પુત્રએ આ પરીક્ષા પાસ કરી છે.
યુપીએસસી દ્વારા વર્ષ ૨૦૨૦માં આઈએએસ, આઈએફએસ, આઈપીએસ અને સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ એ અને બી માટે કુલ ૭૬૧ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રાથમિક પરીક્ષા બાદ મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યું પૂર્ણ થયા બાદ ગઈ કાલે આ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના કુલ ૨૦ ઉમેદવારોએ એક સાથે પાસ કરી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખંભાલીયા પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા સંજય કેશવાલાએ ૩૬૮ રેન્ક સાથે પાસ કરી છે. હાલ જામખંભાળીયાના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારી કેશવાલા માંગરોળ તાલુકાના મુળ આંત્રોલી ગામના વતની છે. હાલ પોરબંદર રહેતા સંજય કેશવાલાએ પ્રથમ ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન (GPSC) દ્વારા લેવાયેલ ‘ગુજરાત વહીવટી વર્ગ-૧’ ની પરીક્ષા પાસ કરીને નાયબ કલેક્ટર તરીકે નિમણુંક મેળવી હતી. પરંતુ તરવરીયા અધિકારીનું સપનું જીપીએસસી પુરતું મર્યાદિત ન હતું. તેઓએ ખંભાલીયા પોસ્ટીંગની સાથે રાત દિવસ યુપીએસસીની તૈયારી કરી હતી અને અખિલ ભારતીય સેવા વર્ગ-૧ની પરીક્ષા પાસ કરી છે. સામાન્ય પરિવારમાંથી આવતા સંજય કેશવાલાએ સાબિત કરી દીધું છે કે અથાક મહેનતથી કોઈ પણ ગોલ એચીવ કરી શકાય છે.
વર્ષ ૨૦૨૦માં દેશભરના ૭૬૧ ઉમેદવારો ઉતીર્ણ થયા છે જેમાં બોમ્બે આઈઆઈટીમાં એન્જીનીયરીંગમાં બી ટેક પૂર્ણ કરનાર બિહારના શુભમ કુમાર દેશમાં પ્રથમ સ્થાને છે જયારે ભોપાલની જાગૃતિ અવસ્થી અને આગ્રાની અંકિતા જૈન ત્રીજા સ્થાને છે. જયારે આઠમાં સ્થાને ગુજરાતના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૫ની ટોપર ટીના ડાબીની બહેન રિયા ડાબી ૧૫માં ક્રમે ઉતીર્ણ થઇ છે. ટોપ ૨૫માં ૧૩ પુરુષ અને ૧૨ મહિલાઓનો સમાવેશ થાય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ફાઈનલ સિલેકશનમાં કુલ ૨૦ ઉમેદવારો પસંદગી પામ્યા છે.