જામનગર અપડેટ્સ : મોરબીથી કચ્છ તરફ જતા માળિયા ધોરી માર્ગ પર ગત મોડી રાત્રે પુર ઝડપે દોડતી સ્વીફ્ટ કાર બંધ ટ્રક પાછળ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર તમામ પાંચ રાજસ્થાની યુવાનોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે. પાંચેય યુવાનો મોરબી ખાતેની એક ટ્રાન્સપોર્ટ પેઢી સાથે સંકલેય હોવાનું જાણવા મળ્યું છે. સામેથી આવતા બાઈક ચાલકને બચાવવા જતા પુર ઝડપે દોડતી કાર રોડ નજીક પાર્ક કરેલ ટ્રકમાં ઘુસી ગઈ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

મોરબી નજીકનો કચ્છ ધોરી માર્ગ વધુ એક વખત મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. ગત રાત્રે દસેક વાગ્યા મોરબીથી છ કિમી દુર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે ભરતનગરથી રવાના થયેલ જીજે ૩૬ એફ ૧૦૫૯ નંબરની કાર બંધ ટ્રક સાથે ધકાડાભેર અથડાઈ પડી હતી. જેમાં કારમાં સવાર આનંદસિંગ પ્રભુરામ સેખાવત (ઉ.વ. ૩૫) રહે. ગણેશનગર, ટીમબડીના પાટિયા પાસે, મુ. રાજસ્થાન, તારાચંદ તેજપાલ બરાલા (ઉ.વ.૨૫), પવનકુમાર મિસ્ત્રી, અશોક કાનારામ બિરડા (ઉ.વ. ૨૪) અને વિજેન્દ્રસિંગ નામના પાંચેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોચતા પાંચેયના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવના પગલે મોરબી પોલીસે ઘટના સ્થળે પહોચી ઉમટી પડેલ લોકોના ટોળાઓને દુર ખસેડી પાંચેય મૃતકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કઈ કાર છે એ પણ ઓળખવી મુસ્કેલ બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર મોરબીના ભરતનગરમાં રહેતા પાંચેય યુવાનો રાજસ્થાનના છે અને અહી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ હતા. રાત્રે આ પાંચેય યુવાનો ભરતનગરની ટ્રાન્સપોર્ટની ઓફિસથી નીકળી પોતાના ગણેશનગર ખાતેના રહેણાંક સ્થળે જતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બની ગયા હતા. સામેથી આવતા બાઈકને બચાવવા જતા પુર ઝડપે દોડતી કારના ચાલકે કારના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્તા, કાર રોડ સાઈડમાં પાર્ક કરેલ ટ્રક સાથે અથડાઈ પડી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવના પગલે રાજસ્થાની પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતક પેઢી સંચાલકના પાંચ માસ પૂર્વે જ લગ્ન થયા છે, એક પેઢીનું એકાઉન્ટ સંભાળતો હતો
આ અકસ્માતમાં પાંચેય હતભાગીઓ પૈકી આનંદસિંહ મોરબીમાં ટ્રાન્સપોર્ટ ઓફીસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે અને તેના પાંચ માસ પૂર્વે જ લગ્ન થયા હતા. જયારે અન્ય એક મૃતક વિજેન્દ્રસિંહ આ જ પેઢીમાં એકાઉન્ટનું કામ કરતો હોવાનું અને અન્ય ત્રણ પણ પેઢીમાં જ કામ કરતા હોવાનું મોરબી પોલીસે જણાવ્યું છે. આ બનાવના પગલે ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ પ્રભાત ડાંગર સહિતના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા.