જામનગર : સિક્કા થર્મલ પાવર સ્ટેશનમાં હાલ બે કાર્યરત પાવર પ્લાન્ટ પૈકી એક પ્લાન્ટ સદંતર બંધ હોવાની વિગતો સામે આવી છે. જયારે અન્ય એક પ્લાન્ટ ચાલુ તો છે પણ મંદ ગતિના કારણે લક્ષ્યાંકિત પાવર ઉત્પન્ન નહી થતો હોવાની વિગતો બહાર આવી છે. સુત્રોનું માનવામાં આવે તો કોલસો સપ્લાય કરતી કંપનીની કામગીરીમાં બાધાઓ ઉભી કરવામાં આવી રહી છે જેને લઈને આવી સ્થિતિ નિર્માણ પામી છે. જો કે વાસ્તવિકતા જે હોય તે પણ સત્ય એ છે કે વીજ ઉત્પાદન પર વ્યાપક અશર પડી છે.
રાજ્યના એક માત્ર આયાતી કોલસાથી ચાલતા સિક્કા ખાતેના થર્મલ પાવર સ્ટેશન હાલ વિવાદમાં છે. વિવાદએ વાતને લઈને છે કે અહીં બે પૈકીનો એક પ્લાન્ટ સદંતર બંધ છે એમ સુત્રોએ જણાવ્યું છે. જેની પાછળનું કારણ ટેકનીકલ ક્ષતી માનવામાં આવી રહી છે. જયારે બીજા પ્લાન્ટની ક્ષમતા ૨૫૦ એમડબ્લ્યુની છે પરંતુ હાલ આ પ્લાન્ટ ૧૯૦ આસપાસ ઉર્જા ઉત્સર્જન કરી રહ્યો છે. આયાતી કોલસાની ઉણપના કારણે લક્ષ્યાંકિત પુરવઠો ઉત્સર્જન કરવામાં બાધાઓ આવી હોવાનું કંપની સુત્રોએ જણાવ્યું છે. ટીપીએસને કોલસા સપ્લાય કરતી પેઢીની અનિયમિતાને કારણ માનવામાં આવી રહ્યું છે. પુરતો જથ્થો અહી સપ્લાય કરવામાં નહિ આવતા વીજ ઉત્પાદન પર પ્રતિકુળ અસર પડી રહી છે. બીજી તરફ સુત્રોનું માનવામાં આવે તો કોલસો સપ્લાય કરતી કંપની કુત્રિમ સમસ્યાઓનો ભોગ બની છે જેને લઈને કોલસા સપ્લાય ચેઈન સીસ્ટમમાં પ્રતિકુળ અસર પડી છે. વાસ્તવિકતા જે હોય તે પણ હાલ અપૂરતા જથ્થાને લઈને એક માત્ર ચાલુ પ્લાન્ટ ઓછું વીજ ઉત્પાદન કરે છે.
ઉલ્લેખનીય છે કે અહી બે વર્ષ પૂર્વે અહીના બે પાવર પ્લાન્ટની ટેકનીકલ ક્ષમતા સમાપ્ત થતા બંને ધરાસાઈ કરી દેવામાં આવ્યા છે. અને અન્ય બે નવા પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. જે હાલ એક બંધ હોવાની વિગતો જાણવા મળી છે.