જામનગર : જામનગર જીલ્લામાં જયારથી કોવિડ-૧૯ના કેસ સામે આવવા શરુ થયા છે ત્યારથી વહીવટી તંત્રએ જીલ્લાના મોટાભાગના લગત તંત્રો પાસેથી સતાઓ હસ્તગત કરી લીધી છે. એમાં પછી આરોગ્યની સ્થિતિની સમીક્ષા હોય કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હોય, તમામ સ્તરે વહીવટી તંત્ર જ સર્વોપરી એવો ઘાટ જોવા મળ્યો છે. કોરોનાને રોકવા માટે પોતાનાં જ ગુણ ગાન ગાતું વહીવટી પ્રસાસન પોતાની ભૂમિકાને જ ‘વોરિયર’ તરીકે ચિતરવામાં એકેય ચાન્સ ગુમાવતું જ નથી, હદ તો ત્યારે થઈ ગઈ જયારે મીડિયા બ્રીફની જવાબદારી પણ વહીવટી પ્રસાસને લઇ લીધી, વહીવટી પ્રસાસન જે કહે તે જ લખવાનું, તે જ સમાજ સામે મુકવાનું ? છેલ્લા કેટલાય સમયથી વહીવટી તંત્રના આ પ્રતિભાવ અંગે પત્રકારોએ રાજ્ય મંત્રીઓ અને મુખ્ય મંત્રી સુધી રજુઆતો કરી પુરતી વિગતો આપવાની માંગણી કરી છે. પરંતુ વહીવટીએ બે કાન રાખ્યા હોવાથી એકેય રજુઆતને ગંભીર ગણી જ નથી. વહીવટી તંત્ર જે માહિતી આપે છે એ અધુરી હોય છે. સંપૂર્ણ અને લોકભોગ્ય પત્રકારત્વ ત્યારે જ સંભવી શકે છે જયારે પૂરી માહિતી સમાજ સામે આવે,
હવે જયારે લોકલ સંક્રમણ કાળ શરુ થયો છે ત્યારે જ સમાજને આરોગ્યપ્રદ બનાવવા આગળ આવવું જોઈએ એના બદલે હાલ તંત્રની કાર્યવાહી થંભી ગઈ હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. પ્રથમ બે-ત્રણ દિવસે પત્રકારો સાથે વાર્તાલાપ કરતુ વહીવટી તંત્ર હાલ શું કરે છે કોઈ પત્રકારોને ખબર જ નથી. ઓર તો ઓર મીડિયાના સવાલોના જવાબોથી બચવા માટે વહીવટી તંત્ર હવે વેબિનાર તરફ વળી ગયુ છે. પત્રકારો અને જીલ્લાના મોટાભાગના અધિકારીઓના બનેલ મીડિયા ગ્રુપમાં આપવામાં આવતી માહિતી અધુરી હોય છે એમ કહી કહીને પત્રકારો થાકી ગયા છે છતાં તંત્ર, એ જ માહિતી આપે છે જે અધુરી હોય છે. આજે સામે આવેલ નવ કેસ બાદ જીલ્લા પોલીસ વડા વોટ્સએપ ગ્રુપમાં સામે આવ્યા અને શહેરની ચિંતા કરી છે, આ બાબતે એસપી સાહેબને ધન્યવાદ, એસપી શરદ સિંઘલના જણાવ્યા અનુસાર લોકલ સંક્રમણ ત્યારે જ અટકશે જયારે જનતા જાગૃત થશે, કોઈ નાગરિકને જરા પણ લક્ષણ દેખાય તો તેને દવાખાને જવાની જરૂર જ નથી. ૧૦૪ નંબરની સેવા માંગી ઘર બેઠા સારવાર લઇ શકે છે. તેઓએ ઉમેર્યું કે જે દર્દીઓ પોજીટીવ આવે છે, એ દર્દીની તમામ વિગતો પણ જાહેર થાય જેવી કે છેલ્લા પાંચ દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી સહિત તમામ, આ વિગતો સામે આવે તો જ સુપર સ્પ્રેડર પકડી શકાય, જીલ્લા પોલીસ વડાની વાત બીલકુલ સાચી જ છે. આ વિગતો સામે આવે તો ચોક્કસથી લોકલ સંક્રમણને રોકી શકાય. પણ એસપી સાહેબ બિલાડીના ગળે ઘંટ બાંધશે કોણ ? એટલે કે વિગતો આપશે કોણ ? કેમ કે મીડિયા મિત્રો એક માત્ર વોટ્સઅપ ગ્રુપમાં જ સવાલો કરી શકતા હતા એ પણ વહીવટી તંત્રએ મીડિયાનો હક છીનવી લીધો છે. આ વોટ્સએપ ગ્રુપમાં માત્ર એડમીન જ ચર્ચા કરી શકે એવું ‘સેટિંગ’ કરી નાખ્યું છે. બાકી ફોન પર તો ક્યાં જવાબ આપવામાં આવે છે ? જો તંત્ર કદાચ મીડિયા પ્રત્યે ઓરમાયું વર્તન ન રાખે તો હજુ જામનગરને અમદાવાદ જેવી સ્થિતિથી ઉગારી શકાય એમ છે. નબળી નેતાગીરી અને હા એ હા વાળા અમુક પત્રકારોના પત્રકારત્વને કારણે જ વહીવટી તંત્ર ચોથી જાગીર પર હાવી થઇ ગયું છે અને સમાજને સાચી માહિતી મળતી નથી. એસપી સાહેબ, વોટ્સએપ ગ્રુપમાં પત્રકારો સવાલ-જવાબ કરી શકે તેવું ‘સેટિંગ’ કરો. ચોથી જાગીર સાથે સંવાદિતતા હશે તો જ તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે, અન્યથા સમાજ વધુ રોગીષ્ઠ બનશે એ વાસ્તવિકતા બધાયે સમજવી જોઈએ, વહીવટી પ્રશાસન અને પત્રકારો વચ્ચે આવો જ વ્યવહાર ચાલશે તો આગામી સમયમાં શહેરના બુરા હાલ થશે એ ચોક્કસ છે.