જામનગર : તાજેતરમાં રાજ્યસભાની ચાર બેઠકની ચુંટણી સંપન્ન થઈ છે. કેટલાય સમયથી રાજ્યમાં ફેલાયેલ કોરોના સંક્રમણ વચ્ચે પણ રાજકીય માહોલ અને હાઈ વોલ્ટેજ ડ્રામા રચાયો હતો. કોંગ્રેસે પોતાના તૂટતા જતા ધારાસભ્યોના પીઠબળને રોકવા જુદી જુદી જગ્યાએ એમએલએને એકત્ર કર્યા હતા. જો કે ચુંટણીના પરિણામમાં કોંગ્રેસને એક માત્ર બેઠક મળી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીની હાર થવા પામી હતી. આ ચુંટણી પ્રક્રિયાના ત્રણ દિવસ બાદ તબીયત લથડતા ભરતસિંહે સારવાર કરાવી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે ટેસ્ટ રીપોર્ટ પોજીટીવ આવતા અનેક કોંગ્રેસ ભાજપના અનેક નેતાઓના શ્વાસ રોકાઈ ગયા હતા. કારણ કે હજુ ત્રણ દિવસ પૂર્વે જ સોલંકી સાથે મળ્યા હોવાથી ભયનો માહોલ ફેલાયો હતો. જેને લઈને રાજ્ય સભાના સાંસદ બનેલ ભારદ્વાજ અને શક્તિસિંહ ગોહિલ સેલ્ફ ક્વોરેન્ટાઇન થઇ ગયા છે. બીજી તરફ જામનગર-દ્વારકા જીલ્લાના ત્રણ ધારાસભ્યો પૈકી કોંગ્રેસના કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસળીયાએ તકેદારીના ભાગરૂપે સેલ્ફ ક્વોરેનટાઈન થયા છે. તેઓના જણાવ્યા મુજબ રાજ્યસભાની ચુંટણી વખતે તેઓ ભરતસિંહને મળ્યા હોવાથી આમ કર્યું છે. પરંતુ તેઓને એક પણ લક્ષણ ન હોવાનું ઉમેર્યું છે.