જામનગર અપડેટ્સ : જામનગરમાં વધુ એક સગીરા પર નરાધમે બળાત્કાર ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે. રેડીમેડ કાપડનો ધંધો કરતા શખ્સે દુકાનમાં નોકરી કરતી સગીરાને લલચાવી, ફોસલાવી બે માસ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ હાથ ધરી રહેણાંક મકાનમાંથી આરોપીને દબોચી લીધો છે. પોલીસે આરોપી અને ભોગગ્રસ્ત સગીરાનું મેડીકલ પરીક્ષણ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.
જામનગરમાં વધુ એક સગીરાને તીખી નાખવામાં આવી છે. આ બનાવની વિગત મુજબ શહેરમાં ચોક્કસ વિસ્તારમાં રહેતા એક ગરીબ પરિવારની સગીરા છેલ્લા ચાર માસથી કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ આરોપી જહાગીર યુસુફ ખફીની ઓફિસમાં નોકરીએ લાગી હતી. શરૂઆતથી જ આરોપીએ નજર બગાડી સગીરાને પોતાના વશમાં કરવા માટે લાલચ આપી ફ્રેન્ડશીપ કરી હતી ત્યારબાદ તેણીને નાદાનીયતનો લાભ ઉઠાવી છેલ્લા બે માસથી તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીના સતત વધતા જતા શારીરીક શોષણને લઇને સગીરાએ તેના પરિવારને જાણ કરી હતી. પરિવારે તેણીને ધરપત આપી શાંતવના સાથે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા ગઇકાલે તેણીની પરિવાર સાથે સીટી સી ડિવિઝન પહોંચી હતી. જયાં તેણીએ આરોપી સામે તા.2-4-2021થી 30-6-2021 સુધી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી જહાગીર સામે આઇપીસી કલમ 376 અને પોકસો એકટ મુજબ ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખી પી.આઇ કે.એલ.ગાધે સહિતના સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને દબોચી લીધો હતો. પોલીસે આરોપી અને સગીરાનું મેડીકલ પરીક્ષણ કરવા તેમજ આરોપી જહાગીરનો કોરોના રિર્પોટ કરાવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ આરોપીની વિધિવત ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આરોપી અને તેનો પરિવાર માથાભારેની છાપ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ આરોપીએ શંકર ટેકરી વિસ્તારમાં હત્યાપ્રયાસ સંબંધી કેસમાં પણ સંડોવાયો હોવાનું પી.આઇ.ગાધેએ જણાવ્યું છે.