જામનગર અપડેટ્સ : ભાવનગરના વરતેજ ગામના હોનહાર યુવા ક્રિકેટર ચેતન સાકરિયા પર પાંચ જ મહિનામાં બીજો વજ્ર ઘાત થયો છે. આઈપીએલ રદ થયા બાદ વતન આવેલ ક્રિકેટરને આજે સવારે અંત્યંત દુખદ સમાચાર થયા હતા. કોરોના સામે લડી રહેલ પિતાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા ક્રિકેટરના પરિવાર પર આભ તૂટ્યું છે.
આઈપીએલની પ્રથમ મેચમાં જ પોતાની આગવી બોલિંગ કૌશલ્યતાથી મોટા મોટા દિગ્ગજોને પરેશાન કરનાર ભાવનગરના ઉભરતા ક્રિકેટર ચેતન સાકરિયાના પિતા કાનજીભાઈ મનજીભાઈ સાકરિયાનું આજે હોસ્પિટલના બિછાને મૃત્યુ નીપજ્યું છે. કોરોનાગ્રસ્ત પિતાની છેલ્લા એક સપ્તાહથી સારવાર ચાલતી હતી. આજે સવારે જ પરિવારને મોભીના મૃત્યુની જાણ કરવામાં આવતા શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે જે પિતાએ પુત્ર ચેતનની ક્રિકેટર કારકિર્દી માટે ટેમ્પો ચલાવી કાળી મજુરી કરી દિનરાત એક કર્યા હતા અને પુત્રને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. આઈપીએલમાં રાજસ્થાનની ટીમ માટે સિલેકશન થયું ત્યારે ચેતનના ભાઈએ આપઘાત કર્યો હતો હવે જયારે ચેતને આઇપીએલમાં ધમાકેદાર પરફોર્મન્સ કરી તમામના દિલ જીતી લીધા છે ત્યારે વધુ એક ખુશી આજે નઠારી નીવડી હતી.