પોઝીટીવ : સલામ એ પાંચ મિત્રોને, કોવિડ હોસ્પિટલ બહાર જ સેવાની ધૂણી ધખાવી શરુ કર્યો સેવાયજ્ઞ

0
1500

જામનગર અપડેટ્સ : જામનગરમાં હાલ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એમાય શહેરની સિવિલ હોસ્પિટલ તો સૌરાષ્ટ્રભરના કોવિડ દર્દીઓ માટે આશાનું કિરણ સાબિત થઇ છે. આવા સમયે કફોડી હાલત દર્દીઓના સગા સબંધીઓની થતી હોય છે. સૌરાષ્ટ્રભરના જિલ્લાઓમાંથી અહી સારવાર માટે આવતા દર્દીઓને દાખલ કરી દેવાયા બાદ તેઓના સગા  સબંધીઓનો કપરો કાળ શરુ  થાય છે. આવા સમયે જામનગરની સેવાભાવી નગરજનોનું સમૂહ વ્હારે આવ્યું છે. પાણી-ભોજન માટે વલખા મારતા દર્દીઓના સગાસબંધીઓ  માટે ભોજનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તદ્દન નિશુલ્ક સેવાએ જામનગરની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવી દીધા છે.

કહેવાય છે ને કે માનવ સેવા એ જ પ્રભુ સેવા, આ ઉક્તિને સાચી ઠેરવી છે. જામનગરના સેવાભાવી સુજ્ઞ નાગરિકોનું પાંચ સભ્યોનું  મિત્ર મંડળ કોરોના કાળમાં શહેરની હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા વ્હાલાઓની વ્હારે આવ્યું છે. તંત્રની મંજુરીથી હોસ્પિટલ પરિસરમાં જ મંડપ લગાવી સેવા યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે.

દર્દીઓ માટે તો તંત્રએ ચિકિત્સાની સાથે સાથે ભોજનની  વ્યવસ્થા કરી છે…પણ તેઓના સગા સબંધીઓ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે આ સગાસબંધીઓ ભોજન અને પાણી માટે શરૂઆતમાં રીતસરના ટળવળ્યા હતા. આવી સ્થિતિ વચ્ચે સેવાભાવી નાગરિકોનો સમૂહ સામે આવ્યો અને સેવાની જ્યોત જગાવી શરુ કર્યો ભોજન સેવા યજ્ઞ, પાંચ મિત્રોએ પ્રથમ બપોરે શરુ કરેલ ભોજન વ્યવસ્થામાં લોકોનો બહોળો સમૂહ જોડાઈ ગયો, જે પ્રેરણા રૂપ સાબિત થતા આ ગ્રુપે રાત્રી ભોજન પણ શરુ કરી દીધું છે.

આ ઉપરાંત દિવસભર અહી છાસ, ચા અને પાણીની વ્યવસ્થા તો અવિરત ચાલુ છે. સેવાભાવી મિત્રોની સેવાને દર્દીઓના સગાવ્હાલાઓ પણ ખોબલે ખોબલે વધાવી લીધી છે. શાક, રોટલી અને દાળ-ભાત અને છાસ સાથેની ભોજન પીરસી જામનગરના સેવાભાવીઓએ તો જનસેવાને જ પ્રભુ સેવા માની છે. દર્દીઓના સગા સબંધીઓએ પણ આ સેવાનો સૌથી મોટો સેવા યજ્ઞ ગણાવ્યો છે. સામાજિક અંતર જળવાઈ રહે તેમજ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન સાથે ભોજન યજ્ઞમાં સમાજના તમામ વર્ગના દર્દીઓના સગાસબંધીઓ હાલ લાભ લઇ રહ્યા છે. મોંધીદાટ હોટેલમાં પણ ન પીરસવામાં આવે એવો પોસ્ટીક આહાર અહીં પીરસવામાં આવી રહ્યો છે. જેનો લાભ લઇ દર્દીઓના સગાસબંધીઓ પણ ગુણગાન ગઈ રહ્યા છે.

સમાજમાં અનેક માલેતુજારો છે જે આ પાંચ મિત્રો કરતા અનેક ગણા સવાયા છે પણ આ મિત્રોની સેવા એ પૈસાદારો માટે પ્રેરણારૂપ બન્યા છે. બસ જરૂર છે એ લોકોએ સામે આવવાની. અને હા ખુલ્લાદિલ થી જે સેવા કરે છે એ સેવાભાવીઓને અનેક ગણું આપે છે કુદરત, એ વાતમાં બે મત નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here