જામનગર : જામનગર જીલ્લા પંચાયતમાં સીનીયર સીટીંગ સદસ્યોની ટીકીટ કાપી નાખવામાં આવી છે. જેમાં પૂર્વ પ્રમુખ અને મોટાભાગની સમિતિઓના અધ્યક્ષ તેમજ અન્ય સીનીયરનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિ પામી ગયેલ સિનીયર નેતાઓ અન્ય પાર્ટી કે અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી દેતા કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાશે તો સામા પક્ષે કોંગ્રેસના નિર્ણયના પગલે ભાજપામાં હર્ષ છવાયો છે અને અડધું યુદ્ધ જીતી ગયાનો આભાસ દર્શાવ્યો છે.
જામનગર જીલ્લા પંચાયતમાં ભાજપ દ્વારા ઉમેદવારો નિશ્ચિત કરી દેવામાં આવ્યા બાદ કોંગ્રેસમાં આંતરિક આંતર કલેહ જોવા મળ્યો હતો. મોટા નેતાઓ સીનીયરની વિરુદ્ધમાં અભિપ્રાય આપતા હોવાનું સુત્રો જણાવી રહ્યા હતા. આ ચર્ચાઓને આખરે સમર્થન મળ્યું છે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસની સીનીયર નેતાગીરીની બાદબાકી કરી નાખવામાં આવી છે, અને મોટાભાગની બેઠકો પર નવા નિશાળીયાઓને કોંગ્રેસે ટીકીટ આપી છે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હેમત ખવા, નાથાભાઈ ગાગલિયા, વસરામભાઈ રાઠોડ, રેખાબેન ગજેરા સહિતનાઓને કોગ્રેસે ટીકીટ આપી નથી. જેને લઈને સીનીયરમાં રોષ અને અસંતોષ ચરમસીમાએ પહોચ્યો છે. દિગ્ગજ હેમત ખવાએ બસપા અને વસરામભાઈએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. જેને લઈને કોંગ્રેસની મુશકેલીઓમાં વધારો થયો છે.
જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ હેમત ખવાને ટીકીટ આપવા સામે વિરોધ દર્શાવ્યો હતો જયારે કાલાવડ ધારાસભ્યએ પણ અન્ય ઉમેદવાર સામે નારાજગી દર્શાવી હતી. જેને લઈને દાવેદારોને અંતિમ ક્ષણોમાં મેન્ડેડ આપવામાં આવ્યા હતા. આમ કોંગ્રેસે જ કોંગ્રેસનો રકાસ ખાળ્યો હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.