જામનગર : જામનગરમાં ફાયરીંગ કરી નાશી છુટેલા સખ્સોએ પોલીસની આબરુ દાવ પર લગાડી દીધા બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ઘટનાના ૨૪ કલાકના ગાળામાં આરોપીઓને ઓળખી કાઢ્યા છે અને પોલીસ આરોપીઓની નજીક પહોચી ગઈ છે. સાંજ સુધીમાં પોલીસ આરોપીઓ સુધી પહોચી જશે એમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

જામનગરમાં ગઈ કાલે ફાયરીંગની ઘટનાને પગલે પોલીસ પર માછલા ધોવાયા હતા. આ પ્રકરણમાં જ્યેહ પટેલની સંડોવણી સામે આવતા પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા હતા. એક તરફ ઓપરેશન જયેશ પટેલ ચાલે છે અને બીજી તરફ જયેશ પટેલ દિનદહાડે ભડાકા કરી પોલીસની આબરૂનું વસ્ત્રાહરણ કરે એવી ચર્ચાઓ ટોકિંગ પોઈન્ટ બની હતી. ચાર અજાણ્યા સખ્સો ફાયરીંગ કરીને નાશી જાય અને પોલીસ જોતી રહી જાય એ પોલીસ માટે પણ પડકાર જનક હતું. આ ઘટનાની ગંભીરતાને લઈને પ્રથમ વખત એસપી દીપન ભદ્રન સ્પોટ પર પહોચ્યા હતા, જેને લઈને પોલીસ કેટલી સક્રિય અને બનાવને કેટલો ગંભીરતાથી લીધો છે એનો તાગ મળી ગયો હતો. પડકાર જનક આ બનાવ બાદ પોલીસે જુદા જુદા સ્થળોએ થી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. જેમાં બાઈક પર જતા આરોપીઓ સ્પષ્ટ સામે આવ્યા હતા. આરોપીઓના ચહેરા અને શરીરને ધ્યાને રાખી પોલીસે બાતમીદારો સુધી તપાસ લંબાવી હતી. હવામાં ઓગળી ગયેલ આરોપીઓની ઓળખ માટે પોલીસે સાંજ સુધી આકાશ પાતાળ એક કર્યું હતું. જેમાં બે-ત્રણ બાતમીદારોમાંથી આરોપીની ઓળખ સામે આવી હતી. જેને લઈને સ્પેશિયલ બ્રાંચની એક ટુકડીએ સામે આવેલ ચહેરાઓ સુધી પહોચવા કવાયત હાથ ધરી હતી. જે સખ્સોએ ફાયરીંગ કર્યું હતું તે ચોક્કસ જ્ઞાતિના હોવાનું સામે આવ્યું છે. જેમાં એક આહીર, સતવારા, ક્ષત્રીય હોવાનું સામે આવ્યું છે અને ચારેય જામનગરના હોવાનું જાણવા મળ્યું છે. જામનગર જીલ્લાના સીમાડા વટાવી ચૂકેલ પોલીસ આ સખ્સોની નજીક પહોચી ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. બપોર બાદ પોલીસ આ આરોપીઓને પકડી પડશે એવી પણ શક્યતાઓ સામે આવી છે.