જામનગર : જામનગરમાં આજથી તમામ યાર્ડમાં ટેકાના ભાવથી મગફળી ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે જામનગર યાર્ડના ખુલ્લા બજારમાં મગફળીના મળતા વધુ ભાવને લઈને પ્રથમ દિવસે એક પણ ખેડૂત ન ડોકાતા અધિકારીઓની ટીમ બગાસા ખાતી જોવા મળી હતી. પ્રથમ દિવસે તંત્રએ ૪૫ ખેડૂતને બોલાવ્યા છે.
રાજયભરમાં આજથી ટેકાના ભાવની મગફળી ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે જામનગર એપીએમસી સહિત જીલ્લાના છ યાર્ડમાં આજ સવારથી જ ખરીદી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આજ દિવસ સુધીમાં જીલ્લામાં કુલ ૫૨ હજાર ઉપરાંત ખેડૂતોએ ખરીદી પ્રક્રિયામાં નોંધણી કરાવી છે. પ્રથમ દિવસે તંત્ર દ્વારા ૪૫ ખેડૂતોને એસએમએસ કરી બોલાવી લેવામાં આવ્યા છે. જામનગરના એપીએમસી ખાતે મામલતદાર અને તાલુકા પંચાયતની ટીમ દ્વારા ગઈ કાલે જ તમામ તૈયારીઓએ પૂર્ણ કરી લેવામાં આવી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પ્રથમ દિવસે એક પણ ખેડૂત મગફળી લઇ હાજર નહી થતા અધિકારીઓની ટીમ વાટ જોતી બેસી રહી હતી.
જામનગર એપીએમસીમાં છેલ્લા દસ દિવસમાં ખુલ્લા બજારમાં થતી હરાજીમાં મગફળીની મબલખ આવકની સામેં મહતમ ભાવ ઉપજતા હોવાથી ખેડૂતોએ ટેકામાં રસ નહી દાખવ્યો હોવાનો અધિકારીઓએ મત દર્શાવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં જામનગર એપીએમસીમાં દરરોજ ભાવમાં ઉછાળો આવી રહ્યો છે. શનિવારે પ્રતિ મણ રૂપિયા ૮૫૦ થી ૧૪૩૬ રૂપિયા ભાવ ભોલાયો હોવાથી ખેડૂતો ખુલ્લા બજારની હરાજી તરફ વળ્યા છે એમ ગ્રામ્ય મામલતદાર કેકે કરમટા અને એપીએમસી ચેરમેન રાઘવજી પટેલે મત દર્શાવ્યો છે. એક જ દિવસમાં પેમેન્ટ અને વધારે ભાવ આવતો હોવાથી ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી ઠાલવતા હોવાથી એક ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયાનો પ્રથમ દિવસ સુષ્ક રહ્યો છે.