જામનગર અપડેટ્સ : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા આજે બપોર બાદ માવઠા રૂપી વરસાદે મોસમ બગાડી છે. જામનગર જીલ્લાના જામનગર, કાલાવડ અને જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી અઢી ઇંચ વરસાદ તેમજ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર, ભાણવડ અને ખંભાલીયા તાલુકાના ગામડાઓમાં પણ જામનગર જીલ્લા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. પરિણામે ખરીફ પાકમાં ખાસ કરીને મગફળીનાં પાકનો મોઢે સુધી આવેલ કોળીયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ આજે વધુ એક વખત હવામાન ખાતે આગામી ચાર દિવસ સુધી બંને જીલ્લાઓ સહીત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
ગત તા.૧૫મીના રોજ હવામાન વિભાગે સૌરાષ્ટ્રના સાગર કાંઠાળ વિસ્તારોમાં અને દક્ષીણ ગુજરાતમાં ચાર દિવસ વરસાદની આગાહી કરી હ્તી જે મુજબ આજે ત્રીજા દિવસે જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં કમોષમી વરસાદી માહોલ રચાયો છે. આજે બપોર બાદ જામનગર જીલ્લાના ત્રણ તાલુકામાં અડધાથી અઢી ઇંચ વરસાદના સમાચાર મળ્યા છે. જેમાં કાલાવડ અને જામનગર તાલુકાના અમુક ગામડાઓમાં તો ભારે વરસાદના અહેવાલ છે. ઉપરાંત લાલપુર અને જામજોધપુર તાલુકાના ગામડાઓમાં પણ એવી જ સ્થિતિ નિર્માણ પામી હતી. જો કે સતાવાર રીતે સાંજે છ વાગ્યા સુધીમાં લાલપુર તાલુકામાં અડધો ઇંચ ઉપરાંત (૧૫ મીમી) વરસાદ નોંધાયો છે.
જયારે દેવભૂમિ દ્વારકા તાલુકાના કલ્યાણપુર અને ખંભાલીયા તેમજ ભાણવડ તાલુકાના અમુક ગામડાઓમાં વરસાદ પડ્યો છે. જેને લઈને બંને જીલાઓના અનેક ગામડાઓમાં ખેતરમાં ઉપાડી લીધેલ અને પાથરે પડેલ તેમજ કાલરા કરેલ મગફળીના પાકને વ્યાપક નુકસાની પહોચી છે.
આગામી ચાર દિવસ વધુ ચાર દિવસ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોના મોઢે સુધી આવેલ મગફળીના પાકનો કોળીયો છીનવાઈ જવાની અને મોટું નુકસાન પહોચ્યું હોવાની વિગતો સામે આવી રહી છે.