રાજકોટ : રાજ્યસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસના ધારાસભ્યોના વધુ રાજીનામાંની શંકટની સ્થિત અટકાવવા સૌરાષ્ટ્રના ૨૨ ધારાસભ્યોને રાજકોટ ખાતે કોંગ્રેસના દિગ્ગજનેતા ઇન્દ્રનીલ રાજયગુરુને જવાબદારી સોંપવામાં આવી છે. આજે સવારે તમામ ધારાસભ્યોની હાજરીમાં હાર્દિક પટેલ પણ આવી પહોચ્યા હતા. ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા બાદ વધુ ધારાસભ્યો રાજીનામાં ન આપે તે પૂર્વે કોંગ્રેસ દ્વારા ગઢમાં ગાબડા પડતા અટકાવવાના પ્રયાસ હાથ ધરાયા છે. આગામી તા. ૧૯મીના રોજ રાજ્યસભાની રાજ્યની ચાર સીટની ચુંટણી યોજાશે. જો વધુ ધારાસભ્યોની વિકેટ પડે તો કોંગ્રેસ અતિ વિકટ સ્થિતિમાં મુકાઈ જાય એમ છે. આજે રાજકોટ ખાતે કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિક્રમ માડમે મુખ્ય મંત્રીના હોમ ટાઉનમાં ગઈ કાલના તેમના નિવેદનને લઈને તોફાની બેટિંગ કરી હતી. ગુજરાતી ન્યુઝ ચેનલ વી ટીવીના મહામંથન કાર્યક્રમમાં એડિટર ઈશુદાન ગઢવીના એક સવાલના જવાબમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યો પર પ્રહાર કરી કહ્યું હતું કે ૨૫ કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય !!! મુખ્ય મંત્રીના ટોણાનો પ્રત્યુતર આપતા માડમે કહ્યું હતું કે ૨૫ કરોડ નહી ૨૫ લાખ કરોડમાં ખાલી એક વિક્રમ માડમની ટચલી આંગળીનું ટેરવું પણ ન આવે, એમ કહી ભાજપ પાસે ધારાસભ્યો ખરીદવા સમય છે પણ ખેડૂતોના ઘઉં અને ચણા ખરીદવા સમય નથી, કેબીનેટ મંત્રીએ ધરપત આપી હતી કે અમે આ મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરી નિર્ણય લેશું. પણ તેઓ તરફથી કોઈ જવાબ નથી. હાલ ખેડૂતો તીડ, કમોશમી વરસાદને લઈને પાયમાલ છે સરકારે આ બાબતે ધ્યાન આપવું જોઈએ, કોંગ્રેસના ધારસભ્યો કેમ ભાજપમાં જાય છે ? તેના જવાબમાં માડમે કહ્યું હતું કે એક બાપ પોતાના દીકરાનું સારી રીતે લાલનપાલન કરી મોટો કરે છે પણ એ જ પુત્ર પિતાને વૃધ્ધાશ્રમના દ્વાર બતાવે તો વાંક કોનો ? એવો આડકતરો જવાબ આપ્યો હતો. જો હું વેચાઈ જાવ તો મારા છોકરા ને કોઈ કહેશે કે તારો બાપ વેચણીયો છે. એમ કહી વિક્રમ માડમ ક્યારે વેચાશે નહી એમ ભાર પૂર્વક જણાવ્યું હતું.