Special Ops : એસપીની સ્પેશ્યલ ટીમમાં સરકારે વધુ એક આઈપીએસ રૂપે આપ્યું બ્રહ્માસ્ત્ર

ધોળકાના વિભાગીય પોલીસ અધિકારીની જામનગર શહેર ડીવાયએસપી તરીકે બદલી : શહેર ડીવાયએસપી જાડેજા રાજકીય ઓથ હેઠળ કામ કરતા હોવાના આક્ષેપની સરકારે લીધી ગંભીર નોંધ

0
1271

જામનગર અપડેટ્સ : પ્રથમથી જ એક વાત સ્પષ્ટ થઇ ચુકી છે કે જામનગરમાં એસપી દીપેન ભદ્રેનને સ્પેશ્યલ ઓપરેશનના ભાગ રૂપે પસંદગી કરવામાં આવી છે. ત્યારે આ ઓપરેશન પાર પાડવા માટે એસપી પોતાની ટીમ બનાવી મેદાને ઉતરે તે પૂર્વે એસપીના ભાથામાં વધુ આઈપીએસ તરીકેનું બ્રહ્માસ્ત્ર સરકારે પૂરું પાડ્યું છે.  જામનગર પોલીસબેડામાં ધરખમ ફેરફારોની પરંપરા શરૂ થઈ છે. સ્પેશિયલ ઓપરેશન પાર પાડવા માટે આ કવાયત કરવામાં આવી રહી હોવાની ઠોસ ચર્ચાઓ વચ્ચે આજે વધુ એક આઈપીએસને જામનગર પોલીસના મહત્વના પદે બદલી કરવામાં આવતા આગામી દિવસોમાં ચોકકસથી નવાજૂની જોવા મળશે.

જયારે જે અધિકારીની સામે રાજકીય ઓથના આક્ષેપ થયા હતા તે શહેર ડીવાયએસપી એપી જાડેજાની રાજકોટ એસીબીમાં બદલી કરવામાં આવી છે. હવે આ જગ્યાએ આઈપીએસ પાંડે શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર બાજ નજર રાખશે.

જામનગર શહેર જિલ્લામાં વધી રહેલી ગુન્હાખોરીને નાથવી સરકાર માટે પણ પડકાર બની ગયો છે ત્યારે કુખ્યાત ભૂમાફિયા સહિતના ગુન્હેગારોને કાબૂમાં કરવા એસપી દીપેન ભદ્રનને છૂટો દોર અપાયો છે. આ મિશનના  ભાગરૂપે ચાર્જ સંભાળતાની સાથે જ સ્પેશિયલ ઓપરેશનની તૈયારીઓ આરંભી દીધી છે જેના ભાગ રૂપે ગઇકાલે જિલ્લાના મોટાભાગના દફ્તરના પોલીસ ઈન્સ્પેકટરોની બદલીઓ કરવામાં આવી છે. આ બદલીઓ બાદ આજે ગૃહવિભાગે વધુ એક આઈપીએસને જામનગરમાં નિયુક્ત કર્યા છે. આજે રાજ્યના ૬ ડીવાયએસપીઓની બદલીઓના નીકળેલા ઓર્ડરમાં જામનગર શહેરના ડીવાયએસપી અજયસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. ડીવાયએસપી જાડેજા સામે જામનગરના રાજકરણીઓ સાથે સારા સબંધોની ચર્ચાઓએ જોર પકડ્યા બાદ બદલી કરવામાં આવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. તો બીજી તરફ આઈપીએસ નિતેશ પાંડેની નિમણૂકને લઈને સ્પેશિયલ ઓપરેશન માટેની ટિમ વધુ મજબૂત બનાવાઇ હોવાની વાતને પણ સમર્થન મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here