જામનગર :બે હત્યા સહિત આઠ ગુન્હામાં સંડોવાયેલ અને પેરોલ ઉપર છુટેલ કુખ્યાત આરોપીને સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ સાથે દબોચી લીધો છે. હત્યા પ્રકરણમાં પેરોલ પર છુટેલ દારૂના ધંધામાં સક્રિય થયો હોવાનું સામે આવ્યું હતું.
જામનગરમાં સીટી બી ડિવિઝન પોલીસે આજે બપોર બાદ નાગેશ્ર્વર તરફથી એક કારમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની સીટી બી ડિવિઝન પોલીસને ચોક્કસ હકિકત મળી હતી. આ હક્કિતના આધારે ઇન્ચાર્જ પીઆઇ વાય.બી.રાણા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં પ્રસાર થતી જી.જે.10 બી.આર. 5413 નંબરની કારને આંતરી લેવામાં આવી હતી. આ કારની તલાશી લેતા ચાલક હિતેષ ઉર્ફે હિતલો વાંગો નરશીભાઇ બાંભણીયા રે.નાગેશ્ર્વર કોલોની, ગરબી ચોકવાળા શખ્સના કબ્જાની કારમાંથી રૂા.1.37 લાખની કિમંતનો 276 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર સહિત 4.38 લાખના મુદામાલને કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપી સામે 3 વર્ષ પૂર્વે હત્યાનો ગુન્હો નોંધાયો છે. જે ગુન્હા સબબ પેરોલ પર છુટયો હતો. આ પેરોલ પુરા થાય તે પૂર્વે જ આરોપીએ દારૂનો ધંધો શરૂ કરી દીધો હોવાનું સામે આવ્યું છે. આરોપી સામે બે હત્યા, બે હત્યાના પ્રયાસ, મારા-મારી સહિતના આઠ ગુન્હા નોંધાયા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આ દારૂ પ્રકરણનો તાગ મેળવવા, કોર્ટ સમક્ષ રજૂ કરી રીમાંડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી સીટી બી ડિવિઝન પીઆઇ વાય બી રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેવીચૌધરી, ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રાજેશ વેગડ, રવીરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, કિશોર પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા,યુવરાજસિંહ જાડેજા, અમિત ગઢવી,હરદીપસિંહ બારડ સહિતના ઓએ પાર પાડી હતી