જામનગર: રાજકોટ જામનગર ધોરીમાર્ગ પરના ધ્રોલ નજીક ગતમોડી રાત્રે ગેસ ભરેલા ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે પિતરાઇ ભાઈઓના સ્થળ પર જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યાં છે જ્યારે જામનગર નજીક અકસ્માતમાં બોલેરોની ઠોકરે બુલેટચાલકનું મૃત્યુ નીપજયું છે. જ્યારે અન્ય એકને ઇજા પહોચી છે.
જામનગર જિલ્લાનો ધોરીમાર્ગ વધુ એક વખત રક્તરંજિત બન્યો છે. જેમાં ગઇકાલે મોડીરાત્રે ધ્રોલ નજીક જીએમ પટેલ સ્કૂલની સામેના રોડ પર રાજકોટ તરફ જતાં એક ગેસ ભરેલા ટેન્કર પાછળ જામનગરથી ધ્રોલ તરફ જતી એક આઇટ્વેન્ટી કાર ધડાકાભેર અથડાઇ જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર ધ્રોલ રહેતા હરેશભાઈ રાજાભાઈ ભૂંડીયા નામના ચાલક અને તેની સાથેના તેના પિતરાઇભાઈ વિજયભાઈ બાબુભાઈ ધ્રાંગીયાને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા બંનેના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે અન્ય એક અકસ્માત જામનગર નજીક લાલપુર બાયપાસ નજીક થયો હતો જેમાં રાત્રે સાડાઆઠ વાગ્યે જીઆઇડીસી સામે એપલ ગેઇટ નજીક પુરઝડપે દોડતી એક બોલેરોએ બુલેટને ઠોકરમારી અકસ્માત નીપજવ્યો હતો જેમાં બુલેટચાલક રમસંગ વજેસંગ પરમારનું મૃત્યુ નીપજયું હતું જ્યારે સુખદેવસિંહ જાડેજા નામના યુવાનને ઇજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં બે અકસ્માતમાં ત્રણના મોતને લઈને જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે.