અરેરાટી : બરડાની એ ઘટનાથી સૌ સ્તબ્ધ, ટ્રીપલ હત્યા, આપઘાત કે પછી…

0
3646

જામનગર : રાણાવાવ રેંજમાં આવેલ બરડા ડુંગરમાં બે દિવસ પૂર્વે ગુમ થયેલ બે વનકર્મીઓ અને મહિલા વનકર્મીના પતિ સહિતના ત્રણેયની શોધખોળ બાદ આજે ત્રણેયના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. સૌથી ચોકાવનારી વાત એ છે કે વન કર્મી મહિલા સગર્ભા હોવાનું જાણવા મળ્યું છે. હત્યા, આત્મહત્યા અને અકસ્માત વચ્ચે અટવાયેલ આ બનાવે ભારે રહસ્ય જન્માવ્યું છે.

પોરબંદરના બરડા ડુંગરમાં શનીવારે સાંજે વન તંત્રના ત્રણ  કર્મચારી એક સાથે લાપતા બનતા ચકચાર મચી જવા પામી છે. પોરબંદરના રાતડી ગામે રહેતા અને અહી જ શિક્ષક તરીકે ફરજ બજાવતા કીર્તિભાઈ સોલંકી ઉવ ૩૨, અહી જ ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા તેઓના પત્ની હેતલબેન સોલંકી અને તેની સાથે જ વનવિભાગમાં જ ચોકીદાર તરીકે ફરજ બજાવતા નાગાભાઈ આગઠ નામના ત્રણેય વ્યક્તિઓ એક સાથે ગુમ થઇ જતા ચકચાર મચી જવા પામી હતી.

વનતંત્રની શોધખોળ દરમિયાન ગોઢાણા નજીક આવેલ કુંડના નાકા પાસેથી ગુમ કર્મચારીઓનું બાઈક મળી આવ્યું હતું. દરમિયાન આજે બરડા ડુંગરમાંથી જ ત્રણેયનો પાસ-પાસેથી મૃતદેહ મળી આવયા હતા. જે મહિલા વનકર્મી છે તે સગર્ભા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ કઈ રીતે બન્યો તેનો તાગ મળ્યો નથી. હત્યા, આત્મહત્યા અને અકસ્માત વચ્ચે અટવાયેલ આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવ પરથી પરદો ઉચકવા પોલીસે ત્રણેય મૃતદેહને પોરબંદર ખસેડી પીએમ વિધિ હાથ ધરી છે. હાલ પોલીસે કઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. પીએમ રીપોર્ટ બાદ વધુ ખુલાસા થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here