જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગઈ કાલનો દિવસ ભારે રહ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકના ગાળામાં અનેક સ્થળોએ પૂરપ્રકોપ સર્જાયા હતા. જેમાં યુવાનો તણાયા, અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા, પશુઓ ડૂબ્યા અને ખરીફ પાકમાં પાણી ભરાઈ જતા વ્યાપક નુકસાની પહોચી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગઈ કાલનો દિવસ ભારે રહ્યો હતો. કલ્યાણપુર તાલુકાના હડમતિયા ગામ નજીક ઘસમસતા પૂરને ઓળગવા નીકળેલ ત્રણ યુવાનો તણાઈ ગયા હતા. જેમાના એક યુવાનનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું પ્રશરી ગયું છે. ગઈ કાલે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભારે વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. કલ્યાણપુર તાલુકાના રાણ ગામે ભરાયેલ પાણીમાં ડૂબી જતા બે ભેસોના મોત થયા છે. કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર દ્વારકા નજીક નાગેશ્વર પાસેનું ભીમગજા તળાવ છલકાયું હતું. જયારે મોડસર થી રાજપરા રોડ પર પાણી ફરી વળતા થોડી વાર રસ્તો બંધ થયો હતો. જયારે લીંબડી –દ્વારકા વચ્ચેના ચરકલા ગામ નજીક પણ માર્ગ પર પાણી ફરી વળતા બંને તરફનો માર્ગ બંધ થઇ ગયો હતો જેને કારણે વાહન વ્યવહાર પર એકાદ કલાક અસર થવા પામી હતી. જયારે દાત્રાણા-બેરાજા અને આસોટા વચ્ચે ઘોડાપુર રસ્તા પર ફરી વળતા અનેક વાહનો પણ ફસાયા હોવાના સમાચાર મળ્યા છે. જો કે સમયસુચકતા વચ્ચે વાહન ચાલકો પરત ફરી જતા મોટી ઘટના સહેજમાં અટકી હતી. બીજી તરફ ખંભાલીયા-પોરબંદ રોડ પર પણ અમુક જગ્યાએ રોડ પરથી પાણી ફરી વળ્યા હોવાના અહેવાલ છે. જયારે અંતરિયાળ ગામડાઓમાં તો અનેક સ્થળોએ રસ્તાઓ પર ફૂટ-બે ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા.
સતત પડતા વરસાદના કારણે દ્વારકાને બાદ કરતા અન્ય ત્રણેય તાલુકાઓમાં ખરીફ પાક પાણીની વચ્ચે ઉભો છે. જેને લઈને પાકને નુકસાની થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.