ભાટિયા : હાય રે કોરોના, અણસમજુ નાગરિકો , તંત્ર બેદરકાર

0
950

જામનગર : સંક્રમણ રોકવા કલેક્ટર દ્વારા કોરોના સબંધિત જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો ચુસ્ત અમલ થાય તે માટે સૂચનાઓ પણ આપવામાં આવે છે પરંતુ આ સૂચનાનો અમલ કેટલી હદે અસરકારક હોય છે તે આ ભાટિયા ગામના દ્રશ્યો કહે છે.

ભાટિયા એ કલ્યાણપુર તાલુકાનું હબ છે ત્યારે નાગરિકોની બેદરકારી સાથે જવાબદાર તંત્ર પણ નદારદ ભૂમિકા ભજવી રહ્યું હોય એમ સાબીત થઇ રહ્યું છે. કોરોના વોરિયર તરીકે પ્રસ્થાપિત થવું હોય તો દેખાવ પુરતી જ નહી પણ ગ્રાઉન્ડ ઝીરો સુધી પહોચી કામગીરી કરવી જોઈએ એમ નાગરિકોમાં ચર્ચા ઉઠી છે. ભાટિયાની બજારોમાં સામાજિક અંતરના ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે. ભાટિયા શહેરની મુખ્ય બજારોમાં એક તરફ  ટ્રાફિક તો બીજી તરફ માસ્ક વિના લોકો નજરે પડી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે આખરે કોરોના સામે જંગ આમ જીતી શકીશું ખરા ? જાહેરનામાની અમલવારી કરાવવામાં તંત્ર આળસુ સાબિત થઇ રહ્યું છે.

તંત્રને તમામ કાર્યવાહીમાં મલાઈ ન મળે ક્યારેક છાસથી પણ ચલાવી લેવું જોઈએ, એમ જાગૃત નાગરિકો તંત્રને ટોણા મારતા નજરે પડી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારના લોકોમાં હજુ પણ કોરોનાના કહેરથી જાણે અજાણ હોઈ તેવા દ્રશ્યો ભાટિયાની બજારોમાં જોવા મળી રહ્યા છે. એક તરફ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે બીજી તરફ જાહેરનામા અને નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે ત્યારે તંત્ર આરામમાં હોઈ તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. સતત કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે લોકો પણ એટલા જ બેજવાબદાર બની ફરી રહ્યા છે. ભાટિયા આસપાસ આવેલ 40 ગામના નાગરિકો અહી ખરીદી માટે આવે છે ત્યારે સામાજિક અંતરના ધજાગરા ઉડતા તંત્રની બેદરકારી સામે આવી છે. માસ્ક વિના ફરતા લોકો વિરુદ્ધ દંડ માત્ર ટાર્ગેટ પૂરો કરવા માટે કરવામાં આવી રહ્યો હોય અને ગરીબ પરિવારના લોકો આનો ભોગ બની રહ્યા છે એવી પણ ફરિયાદ ઉઠી છે. ત્યારે હાલ જાહેરનામા અને કડક અમલીકરણની વાતો માત્ર કાગળો પર દેખાઈ રહી છે ભાટિયામાં આ દ્રશ્યો જોઈને એટલું ચોક્કસ કહી શકી શકાય કે તંત્ર ગાઢ નિંદ્રામાં છે અને લોકો પણ આ મામલે બેજવાબદર દેખાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here