જામનગર : જામનગરની જીજી હોસ્પીટલમાં સૌરાષ્ટ્રના ચાર જીલ્લાઓમાંથી આજે કુલ ૧૬૮ શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓ પરીક્ષણ અર્થે આવ્યા હતા. જેમાં જામનગરના ૧૮, પોરબંદરના ૪૯, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૫૪ અને મોરબીના ૫૭ દર્દીઓનો સમાવેશ થાય છે. સવાર-સાંજ બે પારીઓમાં આવેલ નમૂનાઓનું જીજી હોસ્પિટલની લેબમાં પરીક્ષણ થયું હતું. જેમાં પોરબંદર સિવાય તમામ જિલ્લાઓના દર્દીઓના નમૂનાઓ નેગેટીવ આવ્યા હતા. પરતું પોરબંદર જીલ્લાના બે દર્દીઓ કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. જેમાં કુતિયાણા વૃદ્ધ અને અમર ગામના મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ બંને દર્દીઓ તાજેતરમાં જ મુંબઈથી પોરબંદર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા બંને દર્દીઓનો રીપોર્ટ પોજીટીવ આવતા જીલ્લા આરોગ્ય તંત્ર તેના સંપર્કમાં આવેલ નાગરિકોને ક્વોરેન્ટાઇન અને જે તે વિસ્તારને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવા કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં પોરબંદર જીલ્લામાં કુલ ૧૨ દર્દીઓ સામે આવ્યા છે.