જામનગર : સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસીયેશનના હોદ્દેદારોની ચુંટણી પૂર્વે જ નવો વળાંક આવ્યો છે. મતદાર યાદીમાંથી નામ કમી થઇ જતા હાલના પ્રમુખ સમીર શાહે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ચુંટણી પૂર્વે જ નામ કમી થઇ જતા શાહ મુશીબતમાં મુકાયા છે.
વર્ષ ૨૦૧૧માં યોજાયેલ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસીએશનની ચૂંટણી બાદ નવ વર્ષ પછી હોદ્દેદારોની ચુંટણીઓ યોજવાની કવાયત હાથ ધરવામાં આવી છે, ત્યારે આ ચુંટણીને લઇને હાલનાં સભ્યો અને હોદ્દેદારો વચ્ચે કાવાદાવા શરુ થયા છે. સુત્રોનું માનવામાં આવેતો હાલના પ્રમુખ સમીર શાહને પાડી દેવા માટે એક જૂથ મેદાને પડ્યું છે. ત્યારે ફરી વખત સોમાની ચૂંટણીનો મુદ્દો સપાટી પર આવ્યો છે. હાલના પ્રમુખ શાહનું નામ જ મતદાર યાદી માંથી કમી કરી નાખવામાં આવ્યું છે. જામનગર ચેરીટી કમિશ્નરના આ નિર્ણય સામે સમીર શાહે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. સભ્ય તરીકે પોતે ફી ભરી હોવા છતાં મતદાર યાદી માંથી નામ કમી થઇ ગયું હોવાનો આક્ષેપ સમીર શાહે લગાવ્યો છે.
સમીર શાહનું નામ કમી થઇ જતા વિરોધી જૂથ ગેલમાં આવી ગયું છે, તો બીજી તરફ સમીર શાહે પણ કાનૂની જંગ શરુ કર્યો છે ત્યારે આગામી સમયમાં ચૂંટણી જંગ અસ્તિત્વની લડાઈ બની રહેશે.