જામનગર : કોરોના કાળમાં વીજ કંપનીઓને માથે એવું તે કયું આભ ફાટી પડ્યું છે કે ગ્રાહકોને ધડાધડ મસમોટા બીલ ફટકારી રહી છે. મોટા બીલ બાબતે જામનગર જીલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં વીજ પીજીવીસીએલ કંપની સામે રોષ ફેલાયો છે. ત્યારે યુજીવીસીએલને માથે ફાઈટ પડેલ આભનું ચિત્ર સામે આવ્યું છે. આ કંપનીએ એક રૂમના ઘરમાં રહેતા એક ગરીબ ખેડૂતને બે મહિનાનું ૩૨ હજાર બીલ આપી દીધું છે. માત્ર એક જ બલ્બના સહારે રાત્રી વિતાવતા પરીવારનું આખા વર્ષનું ભરણપોષણ જેટલી મૂડીની વીજ કંપનીની માંગણી સામે ખેડૂતનું કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે. હદ તો ત્યારે થઇ આ કપાયેલા કનેક્શન પર પણ રૂપિયા સાત હજારના વધારા સાથે બીજું ૩૯ હજારનું બીલ ફટકારી દેવાયું છે.
વીજ કંપનીઓએ કોરોનાકાળમાં ખરેખર હદ કરી છે. એક તરફ આવક મર્યાદીત થઇ જવા છતાં વીજ કંપનીઓએ રાહત આપવાને બદલે મસમોટા બીલ ફટકાર્યા છે. જામનગર જીલ્લામાં તો બુમરાળ ઉઠી જ છે. ત્યારે યુજીવીસીએલનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ખોખરિયા ગામે ત્રણ બાળકો સાથેના પરિવાર સાથે એક જ ઘરમાં રહેતા ખેડૂત કાનાભાઈને વીજ કંપનીએ ૪૨૦ વોલ્ટનો જાટકો બીલ સ્વરૂપે આવ્યો છે. ઉતર ગુજરાત વીજ કંપનીએ રૂપિયા ૩૨ હજારનું બીલ આપ્યું, પંખો, ટીવી, ફ્રીજ કે અન્ય કોઈ ઉપકારણો વગરના માત્ર એક જ બલ્બથી ચાલતા કાનાભાઈ કોઈ કાળે વીજબીલ ભરી શકે એમ નથી. જેને લઈને વીજ કંપની ગરીબ ખેડૂતના ઘરનું કનેક્શન કાપી ગઈ, ખેડૂત પરિવાર રાત્રી અંધારા ઉલેચવામાં વ્યસ્ત બન્યો છે. નાના બાળકોના ભણતર સામે પણ સવાલો ઉઠ્યા છે.
વીજ જોડાણ કાપી લેવાતા દીવા તળે અંધારા ઉલેચવાનો પ્રયાસ કરતા આ પરિવારને મોટો વીજ આચકો ત્યારે લાગ્યો જયારે તેના ઘરે કનેક્શન ન હોવા છતાં બે મહિના બાદ ૩૨ હજારના બીલમાં સાત હજાર ઉમેરા સાથે રૂપિયા ૩૯ હજારનું બીલ આવ્યું. એક ગરીબ પરિવાર પર તૂટી પડેલ વીજ કંપની અને સવેદનશીલ ગણાતી સરકાર શું સાબિત કરવા માંગે છે ? કોરોના કાળમાં વીજ બીલનાં નામે રાહતનો ઢંઢેરો પિટતી સરકારે કોને રાહત આપી છે ? આજ દિવસ સુધી એક પણ એવો ગ્રાહક નહી મળ્યો જે કહેવા તૈયાર હોય કે મને રાહત મળી છે.