જામનગર : આજે પણ અનેક સમાજમાં છોકરા અને છોકરીઓના નાની ઉમરે લગ્ન કરાવી દેવામાં આવતા હોવાની પ્રથા છે. પરંતુ આવી પ્રથા જ સમાજના વિકાસમાં બાધારૂપ બને છે, જામનગરમાંથી આવો જ કિસ્સો સામે આવ્યો છે. નાની ઉમરે યુવતીના કરી દેવામાં આવેળા લગ્ન બાદ પતિના બદચલન વર્તનથી બે સંતાનોની માં ફાની દુનિયા છોડવા નીકલી પડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કિસ્સો સમાજની આંખ ઉઘાડનારો છે.
શનિવારે રાત્રે અભયમ ૧૮૧ની ટીમને કોઈ અજાણ્યા વ્યક્તિનો કોલ આવે છે. અહી રેલ્વે સ્ટેશન પર અજાણી સ્ત્રી તેના બે વર્ષના દીકરા સાથે આપઘાત કરવા આવી છે. એવો સામેની વ્યક્તિનો મદદ માંગતા કોલના પગલે કાઉન્સેલર ગીતાબેન બાવરવા સહિતનો સ્ટાફ મોડી રાત્રે જ ઓફીસ એન્ટ્રી કરી તુરંત રેલ્વે સ્ટેશન પાસે પહોચ્યો હતો. જ્યાં બાવીસ વર્ષીય એક યુવતી અને તેના બે વર્ષના બાળક સાથે બેસેલ જોવા મળી હતી. ૧૮૧ની ટીમે તેણીને સાંત્વના આપી સમજાવી હતી.
બાવીસ વર્ષીય યુવતીના જણાવ્યા અનુસાર, તેને પરિવારજનોએ તેના લગ્ન નાની ઉમરે જ કરી નાખ્યા હતા. દારુ વેચતાના ધંધા અને વર્તન તથા અન્ય સ્ત્રી સાથેના મૈત્રી કરારથી કંટાળી ગઈ હોવાનું યુવતીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેનો પતિ તેના જ દાદીને પણ સાચવતો નહી હોવાનું જણાવ્યુ હતું. પતિથી કંટાળી યુવતી તેના પુત્ર સાથે આપઘાત કરવા અહી સુધી આવી હોવાનું સ્પસ્ટ થઇ જતા ૧૮૧ની ટીમે યુવતીને સમજાવી સ્ત્રી વિકાસગૃહમાં સહારો લેવાની સલાહ આપી હતી પરંતુ તેણીએ ના પાડી જામનગરમાં જ નીલકમલ સોસાયટીમાં રહેતા તેના ફઈના ઘરે જવાનો આગ્રહ રાખ્યો હતો. જેથી ૧૮૧ની ટીમે તેના ફઈનો સંપર્ક કરી, તેણીનો કબજો તેને સોંપ્યો હતો.
આ કિસ્સો સમાજની આંખ ઉઘડતો છે. કારણ કે આજે પણ શહેરના સ્લમ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં નાની ઉમરે લગ્ન કરી દેવામાં આવે છે. જેનું પરિણામ એ આવે છે કે યુવક કે યુવતી સમજે ત્યાં બે-ત્રણ સંતાનોના માતા પિતા બની ચુક્યા હોય છે. ત્યારબાદ તેની સામે આવે છે જવાબદારીનો પહાડ, એ પહાડ સર કરવામાં મોટાભાગનાનો સંસાર વિખેરાઈ જતો જોવા મળે છે. તેથી નાની ઉમરે લગ્ન ટાળવા જોઈએ એમ સમાજ ચિંતકોનો મત છે.