જામનગર : જામનગરમાં પખવાડિયા પૂર્વે આહીર બિલ્ડર પર ધડાધડ ફાયરીંગ કરનાર શુટર પૈકીના એક સખ્સની કબુલાતના આધારે એલસીબીએ કાલાવડ નગરપાલિકાના કોંગ્રેસના નગરસેવકને પકડી પાડ્યો છે. જે કે ફાયરીંગ પ્રકરણ સાથે આ સખ્સને કોઈ લેવાદેવા નથી પરંતુ પોતાના પરિવારને અન્ય પાર્ટી સામે ચાલતા વેરભાવને લઈને એક શુટર પાસેથી હથીયાર ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે.
જામનગરમાં ગત તા. ૩જીના રોજ આહીર સમાજના અગ્રણી બિલ્ડર પર કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલના ઇસારે ધડાધડ ફાયરીંગ કરી હત્યા નીપજાવવાનો હિચકારો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે બિલ્ડરની ચપળતાના કારણે અને પોતે સ્વબચાવમાં કરેલ ફાયરીંગના કારણે ગંભીર વારદાત બનતા અટકી ગઈ હતી અને આરોપીઓ નાશી ગયા હતા. ત્યારબાદ એટીએસ દ્વારા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને એલસીબીએ ત્રણેય આરોપીઓને સાત દિવસના રિમાન્ડ પર લીધા હતા. જેમાનાં આરોપી હિતુભાએ કબુલાત કરી હતી કે આજથી એક વર્ષ પૂર્વે કાલાવડમાં રહેતા ઇમરાન નામના સખ્સને એક પિસ્તોલ પૂરી પાડી છે જેને લઈને એલસીબીની ટીમે આ હથિયાર સાથે પકડી પાડ્યો હતો. પોલીસે પૂછપરછ દરમિયાન રૂપિયા ૪૦ હજારની કિંમતમાં આ હથિયાર આરોપી હિતુભા પાસેથી ખરીદ્યું હોવાની કબુલાત કરી છે. કાલાવડ નગરપાલિકામાં કોંગ્રેસના નગરસેવક તરીકે ચુટાયેલા જનપ્રતિનિધિ આરોપી ઈમરાનના ભાઈ ઇકબાલે વર્ષ ૨૦૧૪માં કાલાવડમાં એક હત્યા નીપજાવી હતી જેમાં આરોપી તરીકે હાલ ઇકબાલ જામનગર જેલમાં સજા ભોગવી રહ્યો છે. ઇકબાલના જેલવાસ દરમિયાન ઇમરાન અને હિતુભા વચ્ચે સંપર્ક થયો હતો. પોતાના ભાઈએ કરેલી હત્યાના બદલામાં હત્યાના ભયને લઈને ઈમરાને હિતુભા પાસેથી હથીયાર ખરીદ્યું હોવાની કબુલાત કરી છે. એલસીબી પોલીસે હાલ ઇમરાનની પૂછપરછ શરુ કરી છે.