જામનગર: જામનગરમાં એક યુવાને કોરોના પૂર્વે શરુ કરેલ બ્રાસનું કારખાનું પેન્ડામિકની અસરતળે આવી જતા ખોટના ભોગે બંધ કરી દીધું, જો કે એકાઉન્ટ સંભાળતા મેતાજીએ બેંક એકાઉન્ટ અને જીએસટી વિભાગમાં જાણ કર્યા વગર કારખાનું ચાલુ બતાવી બેંક પાસેથી પાંચ લાખની લોન અને છેલ્લા ચાર વર્ષમાં જીએસટી વિભાગમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવા કૌભાંડ આચર્યું હોવાનું જાહેર થયું છે. ચાર વર્ષ બાદ બેંકની લોનની ઉઘરાણી અને જીએસટી વિભાગનું સાડા ત્રણ કરોડનું લેણું અને દંડ મળી પાંચ કરોડની ઉઘરાણીનું સમન્સ આવતા મહેતાજીનું કૌભાંડ ઉજાગર થયું છે.
જામનગરમાં ઢીંચડા રોડ પર આવેલ સોસાયટીમા રહેતા વિષ્ણુ જગદીશભાઈ પંડયાએ મુકેશભાઈ નામના વ્યક્તિના રોકાણ દ્વારા શંકર ટેકરી ઉદ્યોગનગરમાં વર્ષ ૨૦૧૯માં રિદ્ધિ સિદ્ધિ કાસ્ટિંગ નામે બ્રાસનું કારખાનું શરુ કર્યું હતું. આઠ દસ કારીગરો અને પિતા પુત્રની નિગરાની હેઠળ શરુ થયેલ કારખાનું કોરોના પેન્ડામિકની જપટે ચડી જતા એક જ વર્ષમાં નફાને બદલે ખોટ ખાવાનો વારો આવ્યો હતો. આ એક વર્ષના તમામ હિસાબ કિતાબ મેતાજી તરીકે અન્ય કારખાનાઓમાં એકાઉન્ટ સંભાળતા રાજુભાઈ જગેટીયા નામના મારવાડી સખ્સ સંભાળતા હતા. ધંધામાં ખોટ જતા કારખાનું બંધ કરી વિષ્ણુભાઈએ પેઢીના નામે ખાનગી બેંકમાં ખોલાવેલ એકાઉન્ટ અને જીએસટી વિભાગની નોંધણી રદ કરાવવા મેતાજી રાજુભાઈને કહ્યું હતું. પરંતુ મેતાજીએ આ કામ નહી કરી ખાનગી ફાઈનાન્સ પેઢીમાંથી પેઢીના નામે પાંચ લાખની લોન લઇ લીધી હતી.
આ લોન ચૂકતે નહિ કરતા ખાનગી પેઢીના રીકવરી એજન્ટ વિષ્ણુભાઈના ઘરે પહોચ્યા ત્યારે બેંક એકાઉન્ટ હજુ ચાલુ હોવાની અને ખાતામાંથી મેતાજી એ લોન ઉપાડી લીધી હોવાની જાણ થઇ હતી. જેને લઈને વિષ્ણુભાઈએ મેતાજીનો સંપર્ક કરી પાંચ લાખની લોન મેતાજી પાસેથી ભરપાઈ કરાવી હતી. લોન ભરપાઈ થઇ ગયા બાદ બેંક એકાઉન્ટ બંધ કરાવી દેવામાં આવ્યું હતું પરંતુ ગત જુલાઈ માસમાં જુનાગઢ જીએસટી વિભાગ દ્વારા વિષ્ણુભાઈના નામે સમન્સ આવ્યું હતું અને સાડા ત્રણ કરોડની રકમ ભરપાઈ કરવા જણાવ્યું હતું. જેને લઈને વિષ્ણુભાઈ જુનાગઢ જીએસટી કચેરી પહોચ્યા હતા. જ્યાં જાણવા મળેલ કે છેલ્લા ચાર વર્ષથી બંધ કારખાનાના નામે જીએસટી વિભાગમાં વ્યવહારો થયા છે તે પેટે રૂપિયા સાડા ત્રણ કરોડ અને દોઢ કરોડના દંડ સહીત પાંચ કરોડની રકમ બાકી બોલતી હતી. મેતાજી એવા આરોપી રાજુભાઈ મારવાડીએ જીએસટી વિભાગમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવા ચાર વર્ષ સુધી ગેર કાયદે વ્યાપાર વ્યવહાર કર્યા હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે વિષ્ણુભાઈએ પુરાવાઓ સાથે સીટી સી ડીવીજન પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.