કાલાવડ: ખાનગી શાળાના સંચાલક સહિત પાંચ આસામીઓના ઘરમાં એક સાથે તસ્કરોનો મોટો હાથ

0
992

જામનગર અપડેટ્સ: કાલાવડ તાલુકા મથકે વાવડી રોડ પર આવેલ શ્યામ વાટિકા સોસાયટીમાં રહેતા અને ખાનગી શાળાનું મેનેજમેન્ટ સંભાળતા એક આસામીના ઘરમાંથી બે લાખ દસ હજારની રોકડ અને સોના ચાંદીના દાગીના સહિતના મુદ્દા માલની ચોરી થવા પામી છે. આ ચોરી ઉપરાંત રેસીડેન્સી હેલીપેડ સોસાયટી અને અવધ રેસિડેન્સીમાં આવેલા ચાર મકાનોમાં પણ એક સાથે ચોરી હોવાનું સામે આવ્યું છે. શાળા મેનેજમેન્ટ કરતા આસામી પોતાના વતન ગયા બાદ તસ્કરોએ ઘરના તાળા તોડી ચોરી આચરી હોવાનું સામે આવ્યું છે.

કાલાવડમાં શ્યામ વાટીકા સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ મનસુખભાઈ ભંડેરી ગત તારીખ 28મીના રોજ પોતાના ગામ વિસામણ ખાતે ગયા હતા. સોસાયટીમાં અશ્વિનભાઈ નીચેના માળે રહેતા હતા તો ઉપરના માળે તેઓના નાના ભાઈ વિવેકભાઈ રહે છે. નીચેના મકાનને તાળું મારી અશ્વિનભાઈ બહારગામ ગયા હોવા ની જાણભેદુ તસ્કરોને થતા તેઓએ ગત્ત તારીખ 27 મીના રાત્રિના આ બંધ મકાનના મુખ્ય દરવાજાનો સેફટી લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જેમાં બેડરૂમના કપડા અને ઘરવખરીનો સામાન વેર વિખેર કરી નાખી તસ્કરો લાકડાના કબાટ ની અંદરની તિજોરીમાંથી લોક તોડી, તિજોરી અંદર રાખવામાં આવેલા બે નંગ સોનાના પાટલા, એક નંગ સોનાની બુટી, બે નંગ સોનાની વીંટી, એક જોડી ચાંદીની ઝાંઝરી તથા રૂપિયા 2,10,000ની રોકડ હાથવગી કરી નાસી ગયા હતા. સવારે જાગેલા નાનાભાઈએ નીચેના રૂમનું તાળું તૂટેલું જોતા તેઓના ભાઈને ફોન કરી બોલાવી લીધા હતા. આ બનાવ અંગે અશ્વિનભાઈએ કાલાવડ પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે.

અશ્વિનભાઇના ઘરને નિશાન બનાવનાર તસ્કરોએ બાજુમાં આવેલ અવધ રેસિડેન્સીમાં રહેતા કપિલભાઈ ધરમદાસભાઈ પૂર્ણ વૈરાગી તથા આનંદભાઈ રમેશભાઈ સખીયા અને રાજેશભાઈ બધેલના ઘરમાં તેમજ હેલીપેડ સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ ભાણજીભાઈ બગડાના મકાનમાં પણ ખાબકી ચોરી આચરી હોવાનું સામે આવ્યું છે. જોકે ફરિયાદમાં કેટલી મતાની ચોરી થઈ તેનો ઉલ્લેખ નથી પરંતુ એક સાથે પાંચ મકાનમાં ચોરી થઈ હોવાની વિગતો ફરિયાદમાં જાહેર થઈ છે. આ ચોરીના બનાવને લઈને કાલાવડ પોલીસે વિધિવત તપાસ હાથ ધરી છે.
કાલાવડમાં આવેલ જેપીએસ સ્કૂલમાં મેનેજમેન્ટ વિભાગ સંભાળતા અશ્વિનભાઈ પોતાની પત્ની અને ચાર વર્ષની પુત્રી નીત્યા સાથે પોતાના વતન વિસામણ ગામે ગયા બાદ ચોરીનો બનાવ સામે આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here