જામનગરમાં એમપી શાહ ઉદ્યોગનગર આવાસમાં રહેતા એક આસામીના ઘરમાં ધોળા દિવસે ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. મહિના પૂર્વે દંપતી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયું ત્યાં પાછળથી કોઈ ચોરએ મકાનને નિશાન બનાવી રોકડ અને દાગીના સહીત રૂપિયા ૪૫ હજારની મતા પર હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જામનગરમાં છેલ્લા એક મહિનાથી ચોરી, લુંટ, સરાજાહેર મારામારી, હત્યા સહિતના બનાવોએ કાયદો અને વ્યસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. શહેરના એમ.પી.શાહ ઉધોગનગર, કબીરનગર આવાસ, ગેઇટ નં-૦૨, એ વિંગ બીજા માળે, રૂમ નં-૨૦૯માં રહેતા અને બર્ધન ચોક વિસ્તારમાં તારાચંદ ઓધરમલ નામની દુકાનમાં કામ કરતા અભિષેકભાઇ જયેશગીરી ગૌસ્વામી પોતાના મકાનને તાળું મારી પત્ની રવિના અને પુત્રી સાથે પવનચક્કી વિસ્તારમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. સવારે દશેક વાગ્યે આ દંપતી ઘરેથી નીકળ્યા બાદ ચારેક વાગ્યે પોતાના પડોશીનો ફોન આવ્યો કે તમારા મકાનના તાળા તૂટેલ છે. જેને લઈને અભિષેકભાઈ તેની પત્ની સાથે ઘરે પરત ફર્યા હતા.
તૂટેલ તાળું અને ઘરનો વેરવિખેર સામાન જોઈ દંપતીએ ચોરી થયાની શંકા સાથે પોલીસમાં જાણ કરી હતી. ધોળા દિવસે મકાનના તાળા તોડી તસ્કરો મકાનના રૂમમાં રાખેલ લોખંડના કબાટ માંથી અભિષેકભાઈની પત્ની રવીનાબેનના ગળામા પહેરવાનો સોનાનો ચેન આશરે ૭.૮૦ ગ્રામ જેટલો જેની આશરે કિં.રૂ.૩૫,૦૦૦ તથા એક સોનાનુ પેંડલ આશરે ૦.૯૬૦ ગ્રામ જેની આશરે કિં.રૂ.૪,૦૦૦ તથા ફરી.ની દીકરી પ્રીશાનુ ગળે પહેરવાનુ સોનાનુ પેંડલ આશરે ૦.૨૬૦ ગ્રામ જેની આશરે કિં.રૂ.૨,૦૦૦ અને કબાટમા રાખેલ રોકડા કિં.રૂ.૪,૦૦૦ આમ સોનાના દાગીના તથા રોકડા રૂપીયા ૪,૦૦૦ એમ કુલ કિં.રૂ.૪૫,૦૦૦ની મતા કોઈ અજાણ્યો ચોર ઈસમ કે ઇસમો ચોરી કરી લઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે મહિના બાદ મકાન માલિકે સીટી બી ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે.