કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ શનિવારે પોતાના મત વિસ્તારના પસાયા બેરાજા ગામે એક સરકારી કાર્યક્રમમાં હાજર હતા ત્યારે એકાએક તબિયત લથડતા તેઓને જામનગર બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા છે. હાલ સિનર્જી હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે. કૃષિ મંત્રીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાનો તબીબી અભિપ્રાય આવ્યો છે અને હાલ તેઓની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે. હાલ કૃષિ મંત્રીને આગામી ૭૨ કલાક સુધી તેઓને અહી જ ખાનગી હોસ્પિટલમાં ઓબ્જર્વર હેઠળ રાખવામાં આવશે.
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં કેબીનેટ કૃષિ મંત્રી તરીકે કાર્યરત રાઘવજીભાઈ પટેલની તબીયત એકએક લથડતા પરિવારની સાથે રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. ગાવ ચલો નામના સરકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રાઘવજીભાઈ પટેલની તબિયત રાત્રે જ એકાએક લથડતા તેઓને પ્રથમ જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર આપ્યા બાદ તેઓને તુરંત રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડાયાબીટીસગ્રસ્ત મંત્રીને માયનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાનું તબીબી અભિપ્રાયમાં સામે આવ્યું હતું. આજે વહેલી સવારથી જ કૃષિ મંત્રીના પરિવારની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા, રાજ્ય સરકારના મંત્રીઓ મુળુભાઈ બેરા, ભાનુબેન બાબરિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ, હેલ્થ કમિશ્નર અને હેલ્થ સેક્રેટરી સહિતનાઓ હોસ્પિટલ પહોચ્યા હતા. સાથે સાથે કલેકટર, આઈજી ઉપરાંત ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ સહીત ભાજપના કાર્યકરો અને શુભચિંતકો હોસ્પિટલ ઉમટી પડ્યા હતા અને પરિવારને સાંત્વના આપી હતી.
સિનર્જી હોસ્પિટલના તબીબી બુલેટીન અનુસાર કૃષિ મંત્રીની તબિયત હાલ સ્થિર છે. રાઘવજીભાઈને માયનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેને કારણે જમણી બાજુના મગજમાં બેઝલ ગેંગલીયામાં હેમરેજ થયું છે. કોઈ પણ દર્દીની આવી સ્થિતિ ત્યારે થાય જયારે બ્લડ પ્રેશર વધી જાય છે. જો કે ઓપરેશન અંગે જણાવતા તબીબોએ એવો અભિપ્રાય આપ્યો છે કે હાલ કૃષિ મંત્રીના મગજમાં કોઈ ઓપરેશનની જરૂર નથી જણાતી, હોસ્પિટલના ક્રીટીકલ કેરના સર્જન ડો. જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે હાલ તબિયત સ્થિર છે. બીપી અને ડાયાબીટીશ પણ કંટ્રોલમાં છે. ડોકટરોના જણાવ્યા અનુસાર કૃષિ મંત્રીને ઉમર પ્રમાણે ડાયાબીટીસ અને બીપી સહિતની બીમારી છે જેની તેઓ દવા પણ લઇ રહ્યા છે.
કૃષિ મંત્રીની તબિયત હાલ સ્ટેબલ છે પરંતુ જરૂર પડ્યે એર લીફ્ટ કરી અમદાવાદ કે મુંબઈ લઇ જવાની તૈયારી પણ થઇ ચુકી છે એમ જાણવા મળ્યું છે. હાલ તો કૃષિ મંત્રી વહેલા સ્વસ્થ થાય એમ પરિવાર સાથે શુભચિંતકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.