દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે પુત્ર સાથે રહેતી એક મહિલા સાથે ધરાર પ્રેમ સબંધ બાંધવા બાબતે તેણીના ભૂતકાળના દિયરે દબાણ કરી, એકાદ મહિનો પ્રેમ સબંધ બાધી બંને વચ્ચે મનમેળ ન રહેતા મહિલાએ સબંધ વિચ્છેદ કર્યો હતો. ત્યારબાદ પર આરોપીએ ધરાર પ્રેમ સબંધ બાંધવા અને લગ્ન કરી લેવા દબાણ કરી, તેણીના મોબાઈલમાં પડેલ કથિત ફોટા વિડીઓ વાયરલ કરવાની ધમકી આપી હતી. જેને લઈને મહિલાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ખંભાલીયા ખાતે ચોક્કસ વિસ્તારમાં રહેતી એક યુવતીના તેણીની જ જ્ઞાતિના યુવાન સાથે બાર વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. દરમિયાન તેઓના ઘરે એક પુત્રનો જન્મ થયો હતો. ત્યારબાદ કોરોનાકાળ દરમિયાન તેણીના પતિનું નિધન થઇ જતા માતા-પુત્ર નિરાધાર બની ગયા હતા. સમયજતા મહિલાએ ખંભાલીયામાં રહેતા રોહિત કણજારીયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને માતા-પુત્ર તેઓના સંયુક્ત કુટુંબમાં રહેવા ગયા હતા. પરંતુ થોડા જ સમયમાં બંને વચ્ચેના સબંધનો અંત આવ્યો હતો અને તેણીએ રોહિતને છુટાછેડા આપી દઈ અલગ જગ્યાએ રહેવા ચાલી ગઈ હતી.
જ્યાંથી તેણીની અલગ અલગ જગ્યાએ ઘરકામ કરતી હતી. દરમિયાન રોહિતએ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ રોહિતનો નાનો ભાઈ મહેશએ તેણી સાથે પ્રેમ સબંધ બાંધ્યો હતો. જો કે એકાદ મહિનામાં જ બંને વચ્ચે ઝઘડાઓ થવા લાગતા મહિલાએ સબંધ વિચ્છેદ કર્યો હતો. તેમ છતાં પણ આરોપી મહેસ કણજારીયાએ ધરાર પ્રેમ સબંધ રાખવા તેણીને ધાક ધમકી આપી હતી. તેણીએ કોઈ પ્રત્યુતર નહિ આપતા આરોપી તેણીના ઘરે આવી ઝઘડા કરતો હતો જેથી તેણીએ આરોપીના પરિવારના બે વડીલોને બોલાવી સમગ્ર વાત કરી હતી.
છતાં પણ આરોપીએ મહિલાનો પીછો છોડ્યો ન હતો અને ચાર દિવસ પૂર્વે મધ્યાહ્ન ભોજન કાગળો લઇ મામલતદાર ઓફિસે આવવા માટે આરોપીએ તેણીને ફોન કર્યો હતો. જ્યાં તેણીની પહોચતા જ ફરી આરોપીએ પ્રેમસબંધ રાખવા અને લગ્ન કરવા દબાણ કર્યું હતું. જેથી તેણીએ ના પાડતા આરોપીએ હાથાપાઈ કરી તેણીને માર મારી ધમકી આપી હતી. ત્યારબાદ ફોન પર તેણીના ફોટા વિડીઓ મોકલાવી, વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા સમગ્ર શહેરમાં આ પ્રકરણ ચર્ચાનો વિષય બન્યું હતું. પોલીસે આરોપીને પકડી પાડવા કવાયત શરુ કરી છે.