દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયાની ભાગોળે આવેલ રામનગર ગ્રામ પંચાયતના સરપંચ પતિ અને એક સદસ્ય તેમજ સદસ્યના ભત્રીજા સહિતના ચાર સખ્સો રૂપિયા બે લાખની લાંચની ટ્રેપમાં સપડાયા છે. લાંચ લેતા સરપંચ પતિ અને સદસ્યના ભત્રીજાને એસીબીએ પકડી પાડ્યા છે. ગ્રામપંચાયત વિસ્તારમાંથી ગૌણ ખનીજ ભરેલ વાહનો પસાર કરવા દેવામાં અડચણ ન ઉભી કરવા બાબતે વાહન માલિકો પાસેથી લાંચની માંગણી કરી હોવાની વિગતો જાહેર થઇ છે. આ પ્રકરણમાં ગ્રામ પંચાયતના અન્ય એક સદસ્ય અને સદસ્ય પતિ સહીત બે સખ્સોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
જીલ્લાના વડા મથક ખંભાલીયાની ભાગોળે આવેલ ઘી ડેમમાંથી કાંપ કાઢી પરિવહનમાં અડચણ ઉભી ન કરવા બાબતે રામનગર ગ્રામ પંચાયતના સરપંચ પતિ સહિતના સખ્સોએ વાહન માલિકોને હેરાન કરવા શરુ કર્યા હતા. વાહનો “ઘી ડેમ” માંથી કાંપ ભરી રામનગર ગ્રામ પંચાતયના રસ્તેથી નિકળવા બાબતે રામનગર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ સુનિલભાઇ કાંન્તીલાલ નકુમ તેમજ પેટા કોન્ટ્રાકટર અને રામનગર ગ્રામ પંચાયતના સભ્યના ભત્રીજા જીતેન્દ્ર ઉર્ફે જીતુ રમેશભાઇ નકુમ તેમજ રામનગર ગ્રામ પંચાયતના સભ્ય પાંચાભાઇ મનજીભાઇ નકુમ અને તેમજ રામનગર ગ્રામ પંચાયતના સભ્યના પતિ એવા લલિતભાઈ વેલજીભાઈ ડાભીએ મળીને પોતાના તથા પત્નીના તથા સગા સંબધીના હોદ્દાની રૂએ પોતાના અંગત આર્થિકલાભ લેવા માટે એક સંપ કરી વાહનચાલકોને હેરાન કરવાનું શરુ કર્યું હતું.
રામનગર ગ્રામ પંચાયત વિસ્તારમાંથી ગૌણ ખનીજ ભરી નીકળતા વાહનો વાળાઓ પાસેથી રૂપિયા પડાવવા માટે વાહન વાળાઓ પાસે અવાર નવાર મોબાઇલ ફોનથી તેમજ રૂબરૂ રૂપીયા ત્રણ લાખની લાંચની માંગણી કરી યેન કેન પ્રકારે હેરાન કરવાનું શરુ કર્યું હતું. રામનગર ગ્રામ પંચાયતના રસ્તેથી વાહનો નિકળવા દેવાના અવેજ પેટે ગેરકાયદેસર લાંચની માંગણીઓ શરુ કરી હતી. અંતે રકઝકના બાદ રૂપીયા ૨,૦૦૦,૦૦ની લાંચના આપવાનું નક્કી થયુ હતું. બીજી તરફ લાંચ આપવી ન હોવાથી ફરિયાદીએ દેવભુમી દ્રારકા એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કર્યો હતો. જેને લઈને સ્થાનિક એસીબી દ્વારા લાંચના છટકાંનુ આયોજન કર્યું હતું. ગઈ કાલે ફરિયાદીની ખંભાલીયામાં જ બજાણા રોડ, બેંન્ક ઓફ બરોડા સામે આવેલ ફરીયાદીની ઓફીસમા ટ્રેપ ગોઠવી હતી. જેમાં સરપંચ પતિ સુનીલ અને પેટા કોન્ટ્રાકટર જીતેન્દ્ર બંને રૂપિયા બે લાખની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા. જ્યારે અન્ય બે સખ્સો હાજર ન મળતા એસીબીએ બંનેને ફરાર દર્શાવ્યા હતા. એસીબી પીઆઈ આર.એમ.રાઠોડ સહિતની ટીમે બંને સખ્સોની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરવાની તજવીજ હાથ ધરી હતી.