જામનગર : કોરોના સામે શરુ કરાઈ પ્લાઝમા થેરાપી, આવી છે ચિકિત્સા

0
546

જામનગર : હાલ કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું છે ત્યારે જી.જી.હોસ્પિટલ દ્વારા કોરોના ક્રિટીકલ દર્દીઓને બચાવવા અને નિરોગી બનાવવા પ્લાઝમાની સારવારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોનાના અતિગંભીર દર્દીઓ માટે પ્લાઝમા થેરેપી ઘણી આશિર્વાદરૂપ નીવડે છે. જી.જી.હોસ્પિટલની બ્લડ બેંક ખાતે થર્ડ યર રેસિડન્ટ ડો. પ્રિયાંક બત્રાએ પ્લાઝમા દાન કર્યા હતા.

જી.જી.હોસ્પિટલની બ્લડબેંક ખાતે કોરોનાથી સારા થયેલા દર્દીઓ પાસેથી પ્લાઝમા ડોનેશન સ્વીકારવાના પ્રારંભ સાથે જ સૌરાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સારવારમાં વધુ સફળતા મળશે તેવી આશાનું કિરણ દેખાયું છે. પોતાના પ્લાઝમા ડોનેટ કરનારા ડો. પ્રિયાંક બત્રાએ જણાવ્યું હતું કે, મને દર્દીઓની કોરોનાની સારવાર કરતા બે મહિના પહેલા કોરોના પોઝિટીવ આવેલ હતોઅને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માઇલ્ડ સિમ્પ્ટોમેટિક હોવાથી થોડા દિવસોમાં હું સ્વસ્થ થયો હતો. બે દિવસ પહેલાં મે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને નવજીવન મળી રહે તે હેતુથી પ્લાઝમા ડોનેટ કર્યા છે.

પ્લાઝમા ડોનેટ કરવાથી વ્યક્તિને કોઇ તકલીફ થતી નથી, બે દિવસમાં પ્લાઝમા રિપ્લેનીશ થઇ જાય છે. સામાન્ય રક્તદાનની જેમ પ્લાઝમા દાન કરી શકાય છે. ત્યારે હું તો સ્વસ્થ થયો છું પણ લોકોની સારવાર મારે મન પ્રથમ છે, પ્લાઝમા ડોનેશન કરી દર્દીઓને તંદુરસ્ત કરવા માટેની આ પહેલમાં અન્યો પણ સાથ આપે,કોવિડ-૧૯ માંથી સ્વસ્થ થયેલા દર્દીઓ વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ કરે તેવી અપીલ ડો. પ્રિયાંક બત્રાએ કરી હતી.                    

કોને કહેવાય છે પ્લાઝમા ?

લોહીમાં રક્તકણો અને તેનો પ્રવાહી ભાગ હોય છે જેને પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે. કોવિડ-૧૯ના બિમારીમાંથી સ્વસ્થ થતા દર્દીઓના પ્લાઝમામાં રોગપ્રતિકારક એન્ટીબોડી હોવાની શક્યતા હોય છે. સાજા થયેલાં દર્દીના પ્લાઝમાને કન્વેર્લિસેન્ટ પ્લાઝમાકહેવાય છે જે કોરોનાના દર્દીને આપવાથી દર્દી સ્વસ્થ થવાની શક્યતા વધી જાય છે. પ્લાઝમા ડોનેશનની પ્રક્રિયા અંદાજીત ૧ થી ૧.૩૦ કલાકની હોય છે જે સંપૂર્ણ સુરક્ષિત છે, કોઇપણ પ્રકારના ચેપ લાગવાની શક્યતા નથી હોતી. પ્રક્રિયા માટે સાધનોની સિંગલ યુઝ કીટનો ઉપયોગ થાય છે. આ એક લોહીના ડોનેશન જેવી જ પ્રક્રિયા છે. જે ડિસ્પોઝેબલ સ્ટરાઈલ કિટની મદદથી ઓટોમેટિક એફેરેસિસ મશીનથી લેવામાં આવે છે. મશીનમાં લોહીના રકત કણોને પ્રવાહી ભાગથી અલગ કરાય છે. અને રકતકણોને ડોનરના શરીરમાં પાછા દાખલ કરાય છે. આ રીતે એક વારમાં ૫૦૦ મિલી પ્લાઝમા લઈ શકાય છે. સાદી અને સલામત પ્રક્રિયા છે. ડોનર ૧૫ દિવસ પછી ફરીથી પ્લાઝમા આપી શકે છે. 

આવી છે પ્લાઝમા થેરાપી

જી.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષક દિપક તિવારીએ પ્લાઝમા થેરપી વિશેની સમજ આપી કહ્યુ હતું કે, પ્લાઝમા થેરેપીથી અનેક લોકોને સ્વસ્થ કરી શકાય છે ત્યારેસાજા થયેલા કોવિડના દર્દીઓ પાસે અન્યોના જીવન બચાવવા માટેની એક તક છે. આજ સુધી ગુજરાત રકતદાનમાં મોખરે રહ્યું છે ત્યારે વધુમાં વધુ કોવિડ-૧૯ના રોગમાંથી મુકત થયેલા વ્યકિતઓ પ્લાઝમા ડોનેશનમાં પણ આગળ આવે અને અન્યોને જીવનદાન આપે તેવી અપીલ કરી હતી.  હોસ્પિટલ ખાતેથી સ્વસ્થ થયેલા દર્દીઓનેપ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી સમયમાં આવશ્યકતા અનુસાર વિવિધ બ્લડ ગ્રુપ ધરાવતા પ્લાઝમા ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરી દર્દીઓને સારવાર માટે આપવામાં આવશે.

કોણ કરી શકે પ્લાઝમા ડોનેટ ?

આ અંગે બ્લડ બેંકના ઈન્ચાર્જ ડો. જીતેન્દ્ર વાછાણીએ જણાવ્યું હતું કે, અદ્યત્તન મશીન મારફતે કોવિડના સાજાં થયેલાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેમની ઉમર ૧૮ થી ૬૦ વર્ષની વચ્ચે હોય, જેમનું વજન ૫૫ કિલો કે તેથી વધારે હોય, જેમણે થોડા સમય પહેલા જ કોવીડ-૧૯નો રોગ થયેલો હોય, તાવ અને ખાંસીના લક્ષણો હોય અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સારા થયાના ૨૮ દિવસ પછી ડોનેટ કરી શકે છે. જેમને ડાયાબિટીસ, હદયરોગ કે અન્ય ગંભીર બીમારી ન હોય તેવા વ્યકિતઓ ડોનેટ કરી શકે છે. 

ડોનેટ વખતે દર્દી પર આવી ક્રિયા કરાય છે

ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરતી વખતે ICMR અને NBTCની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે. પ્લાઝમા લેતી વખતે ડોનરનું એન્ટીબોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. આ પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની એન્ટીબોડી હોય છે. કોરોનાની બીમારીમાંથી સાજા થયેલાં દર્દીના શરીરમાં વાયરસ સામે એન્ટીબોડી ઉત્પન થાય છે. આ એન્ટીબોડી સાજા થયેલાં દર્દીના શરીરમાંથી નીકાળીને કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે જેનાથી દર્દીઓની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે. 

આવી રીતે લેવાય છે પ્લાઝમા

  રક્તદાતાને તમામ પ્રકારની માહિતી આપી અને મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ બ્લડ બેંકમાં એફેરેસીસ નામના મશીનમાં લોહીના ઘટકો અલગ પાડીને ૫૦૦ મિલી પ્લાઝમા એકત્ર કરવામાં આવે છે અને બાકીના રક્તદાતાના શરીરમાં પરત આપી દેવામાં આવે છે. કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેશન એકદમ સરળ અને સંપૂર્ણપણે સુરક્ષિત પ્રક્રિયા છે. જેમાં માત્ર લોહીનો એકજ ઘટક પ્લાઝમા ડોનેટ કરવામાં આવે છે. પ્લાઝમા ડોનર એકવાર ડોનેટ કર્યા બાદ બીજા ૧૫ દિવસ પછી ફરી કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. આ પ્લાઝમા ડોનેશનથી આઈ.સી.યુ.માં રહેલા કોરોના દર્દીઓની જીવન બચાવી શકાય છે તેમ કોવિડ-૧૯ના જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના નોડલ ડોક્ટર અને એમ.પી.શાહ મેડીકલ કોલેજના અધિક ડીન એસ.એસ.ચેટર્જીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here