જામનગર સહીત રાજ્યભરના નવ લાખ ઉમેદવારોને નિરાશા ત્યારે સાંપડી જયારે પરીક્ષા શરુ થવાને માત્ર ગણતરીની કલાકો જ બાકી હતી. વધુ એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું, આ પેપર નથી ફૂટ્યું સરકારનું ઈમાન અને ઉમેદવારોનું નશીબ ફૂટ્યું છે એવું જામનગર પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોનો મત છે. અમે મત મોદીને આપ્યો છે તો પરીક્ષા પણ મોદી જ લ્યે, અથવા અદાણી-અંબાણીને સંચાલન સોંપી દયે, એમ ઉમેદવારોએ કટાક્ષ કરી સરકાર અને સરકારી તંત્રની બાબુગીરી સામે રોષ પ્રકટ કર્યો હતો.
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે જુનીયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારના કરોડો રૂપિયાને રાજ્યભરના જુદા જુદા પરીક્ષા સેન્ટર પર પાથરી દઈ “ચુસ્ત’ આયોજન કર્યું હતું. છેક વર્ષ ૨૦૧૭માં જે ઉમેદવારોએ અરજી કરી હતી એ અરજીના બાદ પાંચ પાંચ વર્ષ સુધી સામાન્ય જ્ઞાનની સાથે અનેક વિષયોનો દરરોજ કલાકો સુધી અભ્યાસ કરી તૈયારી કરી હતી. અનેક ઉમેદવારોના વાલીઓએ શહેરોમાં ચાલતા ખાનગી કોચિંગ સેન્ટરોમાં પોતાના સંતાનોને મોકલી તૈયારીઓ કરાવી હતી. તો અનેક ઉમેદવારો એવા પણ છે કે જેઓએ નબળી આર્થિક સ્થિતિને લઈને પરિવારની જવાબદારી નિભાવતા નિભાવતા તૈયારીઓએ કરી હતી. સરકારે પાંચ વર્ષ સુધી વિદ્યાર્થીઓને તપ કરાવ્યા બાદ પરીક્ષાની તારીખ જાહેર કરી અને ઉમેદવારોએ તૈયારીને આખરી ઓપ આપ્યો,
સરકારે આંતર જિલ્લા પરીક્ષાનું આયોજન કરતા એકબીજા જિલ્લાના ઉમેદવારો મોડી રાત્રે કે વહેલી સવારે જ જે તે સેન્ટર પર પહોચવા ઘરેથી નીકળ્યા, જામનગર જીલ્લામાં ૨૬૮૮૨ ઉમેવારો નોંધાયા હતા. આ ઉમેદવારો પૈકી અમુકને રસ્તામાં તો અમુકને પરીક્ષા સેન્ટરમાં પહોચ્યા બાદ ખબર પડી કે પેપર તો ફૂટી ગયું છે. પંચાયત સેવા પસંદગી મંડળે એવી જાહેરાત કરતા જ રાજયભરના લાયક ઉમેદવારોમાં નિરાશા પ્રસરી ગઈ, હતાશા ફેલાઈ ગઈ, માતા પિતાએ પેટે પાટા બાંધીને ભણાવ્યા બાદ પાપા કહેતે હે બડા નામ કરેગા એવા સપનાઓ વાહિયાત થઇ ગયા છે એમ ઉમેદવારોએ મત દર્શાવ્યો હતો. શું કહ્યું ઉમેવારોએ એક નજર નાખીએ.
@આજે માત્ર પેપર જ નથી ફૂટ્યું, પણ અમારા નસીબ પણ ફૂટ્યા છે…
@સફેદ પરિધાનમાં દેખાતા નેતાઓ અમારા માતાપિતાના પરસેવાની કમાણીને કયારેય નહી સમજી શકે, ઉપર વાળો બધું જુએ જ છે…
@ભરોસાની ભાજપ સરકાર, કોનો અને કોના પર ભરોસો ? પહેલા તમે તો વિશ્વાસ સંપાદન કરો પછી ભરોસાની વાત કરજો..બસ હવે બંધ કરો ધતિંગ
@અમે મિત્રો સાંજે જ ભગવાનને પ્રાર્થના કરી હતી કે બસ પેપર ન ફૂટે બસ, આ વખતે તો નોકરી પાકી જ છે..કારણ કે તૈયારી જ એવી કરી હતી..પણ સરકારના પાપે નશીબ ફૂટલું નીકળ્યું
@અમારા માતા પિતાએ પેટે પાટા બાંધી, અમારી ઉપર મરણ મૂડી ખર્ચી નાખી છે. સરકાર શું સમજે નાના પરીવારની વેદના? ટ્રાવેલ એલાઉન્સ ફ્રી કરવાથી કળ નશી વળે, અમારી વર્ષોની મહેનતનું શું ?
@મોદીને મત આપ્યો છે..મોદી જ પરીક્ષાનું બીડું જડપી લ્યે અને હવે પરીક્ષાનું સંચાલન અદાણી અને અંબાણીને સોંપી દયે બસ….
@અજ્ઞાતો સામે ફરિયાદ થશે, બે ચારની ધરપકડ થશે, ચાર્જસીટ રજુ થશે,,,પછી તમામ માછલીઓ મુક્ત થઇ જશે…મોટી માછલીઓ સામે આંગળી ચિંધવાની ત્રેવડની વાત જ ના કરતા..આમ ને આમ તો મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાની તટસ્થતા પરથી વિશ્વાસ ડગી ગયો છે..
@પરીક્ષાઓ પૂર્વે જાણી જોઇને પેપર ફૂટવાની પરંપરા થઇ ગઈ છે. એમ કરીને સરકાર આઉટસોર્સ કર્મચારી પ્રથાને પ્રાથમિકતા આપવા મથી રહી છે.