જામનગર : જામનગર જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસની મેઘ સવાર આજે પણ અવિરત રહી હતી. સવારના છ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીમાં જીલ્લામાં બે થી સવા તેર ઇંચ વરસાદ વર્ષી ગયો છે. ધીંગી મેઘ મહેરને પગલે જીલ્લાના પાંચ ડેમ છલકાઇ ગયા છે.
જામનગર જીલ્લામાં આજે ત્રીજા દિવસે જીલ્લાના છ પૈકી પાંચ તાલુકાના સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સવારના છ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યાના ગાળામાં જામનગર શહેરમાં ચાર ઇંચ (૯૭ એમએમ), લાલપુરમાં સાડા ત્રણ ઇંચ ( ૮૭ મીમી), ધ્રોલમાં સાડા છ ઇંચ (૧૬૮ મીમી) જોડિયામાં સાડા પાંચ ઇંચ (૧૧૧ મીમી) અને જામજોધપુર તાલુકામાં બે ઇંચ (૫૩ મીમી ) વરસાદ વરસ્યો છે. જયારે સૌથી વધુ વરસાદ કાલાવડ પંથકમાં થયો છે જેમાં દિવસ દરમિયાન સવા તેર ઇંચ (૩૩૧) મીમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદમાં સૌથી વધુ વરસાદ બપોરે ચારથી છ વાગ્યા સુધીના બે કલાકના ગાળામાં ચાર ઇંચ પાણી પડી ગયું હતું. જેને કારણે વોડીસંગ, ઊંડ એક અને વાગડિયા, આજી ત્રણ, કંકાવટી ડેમ ઓવરફલો થઇ ગયા હતા. જ્યારે ફૂલઝરમાં પણ મહતમ આવક થતા ત્રણ દરવાજા ખોલાયા હતા. બીજી તરફ રણજીત સાગરમાં મહતમ આવક થતા ડેમ છલકાઈ જવાની તૈયારીમાં છે અને મહાપાલિકાના વોટર વર્કશ અધિકારી બોખાણીએ સવાર સુધીમાં ડેમ ઓવરફળો થઇ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.