જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘ મલ્હાર અવિરત રહી છે.આજ સવારથી દ્વારકા મીઠાપુર અને કલ્યાણપુર પંથકમાં વરસાદ વરસ્યો છે. બીજી તરફ ગઈ કાલે સચરાચર વરસાદ થતા કલ્યાણપુરનો સાની ડેમ ગઈ કાલે ભારે વરસાદના કારણે ઓવરફલો થઇ ગયો હતો. જેને લઈને ડેમની નીચેના ગામડાઓને સચેત કરવામાં આવ્યા છે. જો કે ડેમના મંજુર થયેલ દરવાજાઓનું કામ સંપૂર્ણ નહી થતા ડેમનો મહતમ જથ્થો વેડફાઈ જશે.
દેવભૂમિ દ્વારાકા જીલ્લામાં ગઈ કાલે ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં કલ્યાણપુર પંથકમાં ખાબકેલા ચાર ઇંચ વરસાદે ચોતરફ પાણી પાણી કરી દીધું હતું. તાલુકાના દક્ષીણ દિશાએ આવેલ ગામડાઓને બાદ કરતા અન્ય વિસ્તારોમાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. ભાટિયા, ભોગાત, કેનેડી, માલેતા, પટેલકા, બાકોડી, રાજપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેને લઈને તાલુકાની અને ઓખા મંડળની જીવાદોરી સમાન સાની ડેમ એક સેમીએ ઓવરફલો થયો હતો.
જીલ્લા ફલ્ડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર ડેમનો પ્રવાહ ૪૨.૩૮ કયુસેક પાણીનો પ્રવાહ પહોચી જતા ડેમ નીચાણમાં આવેલ જેપુર, ડાંગરવડ, સુર્યાવદર, આશિયાવદર, રાણપરડા, રાવલ તેમજ પોરબંદર જીલ્લાના ચંદ્રાવાડા ગામને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. આ ડેમની હાલ કાઢ્યા સુધી જ સપાટી છે કારણકે ડેમના નવા દરવાજાની કામની મજુરી છતાં હજુ દરવાજા ફીટ નથી થયા એ વાસ્તવિકતા છે, જેને લઈને આ વખતે પણ ડેમનું મહતમ પાણી વેડફાઈ જશે.
છેલ્લા ચોવીસ કલાક (સવારના છ વાગ્યા સુધી)ની વાત કરીએ તો ખંભાલીયામાં આઠ મીમી, કલ્યાણપુરમાં ૧૦૫ મીમી, દ્વારકામાં ૫૨ મીમી અને ભાણવડમાં ૩૧ મીમી વરસાદ પડ્યો છે. મોસમના વરસાદની વાત કરવામાં આવે તો ખંભાલીયામાં ૨૮૮ મીમી, કલ્યાણપુર તાલુકા ૩૭૦, દ્વારકામાં ૧૪૮ મીમી અને ભાણવડમાં ૧૯૮ મીમી વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદના પગલે ખરીફ પાકમાં ખાસ કરીને મગફળી અને કપાસનું ચિત્ર વધુ ઉજળું બન્યું છે.