સેન્સ કે નોનસેન્સ : આવતીકાલે જામનગરમાં ભાજપની બે બેઠકો પર સેન્સ

0
754

વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ સપ્તાહની અંદર જાહેરનામું બહાર પડી જશે. બીજી તરફ તમામ રાજકીય પાર્ટીઓએ હથિયારો સજાવી લીધા છે. ચૂંટણી પ્રચાર પણ અંતિમ તબક્કામાં પહોંચાડી દીધો છે ત્યારે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આવતીકાલે જામનગર શહેરની બે બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવતીકાલે સવારે ત્રણ સભ્યોની નિરીક્ષકોની ટીમ આવી પહોંચશે અને બંને બેઠકના દાવેદારોને સાંભળશે.

જામનગર વિધાનસભાની પાંચ બેઠકો માટે તમામ રાષ્ટ્રીય પાર્ટીઓએ પ્રચાર કાર્ય ફુલ સ્પીડમાં આગળ ધપાવ્યો છે. ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આવતા સપ્તાહમાં ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પડી જશે અને ચૂંટણીની તારીખો નક્કી થઈ જશે. એક વાત ચોક્કસ છે કે હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાતની વિધાનસભાનું પરિણામ આઠમી ડિસેમ્બરના રોજ આવશે.

જામનગરની બંને બેઠકનું ચિત્ર, 2012માં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટાઈ

જામનગર શહેરની બે બેઠકોની વાત કરવામાં આવે તો જામનગર 78 અને જામનગર 79 બેઠકો આમ તો ભાજપ નો ગઢ રહી છે. આમ પણ શહેરી વિસ્તારો ભાજપ માટે આસાન ગણવામાં આવે કારણકે શહેરી વિસ્તારોમાં ભાજપના કમિટેડ મતદારો છે. વર્ષ 2012 ની વિધાનસભા દરમિયાન રાજ્યમાં નવું સીમાંકન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેરને એક બેઠકમાંથી બે બેઠક કરવામાં આવી હતી. વર્ષ 2012માં પ્રથમ વખત નવા સીમાંકન મુજબ લડાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એક બેઠક ભાજપ તો એક બેઠક કોંગ્રેસ પક્ષે રહી હતી. જામનગર 78 બેઠક પર હાલના ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજાએ ભાજપના પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાને પરાજય આપ્યો હતો. તો બીજી તરફ જામનગર 79 બેઠક પર પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા પ્રોફેસર વસુબેન ત્રિવેદીએ કોંગ્રેસના જીતુ લાલ ને પરાજય આપી આ બેઠક ભાજપને આપી હતી.

2017ની વિધાનસભાની સ્થિતિ

જામનગરની બંને બેઠકોની ગત વિધાનસભા એટલે કે વર્ષ 2017 ની વાત કરવામાં આવે તો આ બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા હતા. ભાજપાએ પ્રોફેસર વસુબેન ત્રિવેદીને રીપીટ નહીં કરીને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુને લડાવ્યા હતા તો સામાપક્ષે જામનગર ઉત્તર બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હકુભા જાડેજા ને ભાજપે લડાવ્યા હતા. આ બંને ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસના ઉમેદવારોને પછડાટ આપી બંને બેઠક અંકે કરી હતી.

જામનગર ઉત્તર બેઠક પર દાવેદારોનો રાફડો ફાટ્યો

જામનગર ની બંને સીટ માટે આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે જામનગર ઉત્તર બેઠક પર ભાજપ તરફથી દાવેદારોનો રાફડો ફાટ્યો છે. આ બેઠક પર શહેરના મોટાભાગના ભાજપના ટોચના નેતાઓએ દાવેદારી કરશે એમ આધારભૂત સૂત્રો માંથી જાણવા મળ્યું છે. જેમાં પાંચ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
તો બીજી તરફ જામનગર 78 એટલે કે દક્ષિણ વિધાનસભાની બેઠક પર વર્તમાન ધારાસભ્ય હકુભા જાડેજા અને અન્ય બે ત્રણ ઉમેદવારો દાવેદારી નોંધાવશે. જોકે જામનગર ઉત્તર બેઠક પર આ વખતે પસંદગી પ્રક્રિયાને લઈને ભાજપએ લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ થશે એમ રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે.

આવતીકાલે સેન્સ પ્રક્રિયા

પ્રદેશ ભાજપ તરફથી મળેલી સૂચના મુજબ આવતીકાલે જામનગર શહેરની ઉત્તર અને દક્ષિણ બેઠક પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શહેર ભાજપ સંગઠનના જણાવ્યા અનુસાર આવતીકાલે સવારે 10 વાગ્યે ભાજપ કાર્યાલય ખાતે જામનગર બહારના ત્રણ સભ્યોની નિરીક્ષકોની ટીમ આવી પહોંચશે અને બંને બેઠકના દાવેદારોને સાંભળશે. ભાજપ તરફથી કોઈ દાવેદરીએ શક્તિ પ્રદર્શન ન કરવા પર સ્પષ્ટ કહેવાયું છે એમ પણ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સેન્સ કે નોન સેન્સ……???

દરેક ચૂંટણી વખતે કોઈપણ પક્ષ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને સેન્સ પ્રક્રિયા કરતો હોય છે. દાવેદારોને સાંભળીને પસંદગી પ્રક્રિયા એટલા માટે કરવામાં આવે છે કે પસંદ કરેલા ઉમેદવાર ની જાહેરાત બાદ પક્ષમાં અસંતોષ ફાટી ન નીકળે, જોકે ભાજપ માટે આ સેન્સ પ્રક્રિયા નોનસેન્સ બરાબર છે એમ ચોક્કસથી કહી શકાય કારણ કે છેલ્લી બે વિધાનસભામાં સેન્સ પ્રક્રિયામાં હાજર રહેલા દાવેદારોને કોરાણી મૂકીને ભાજપે પેરાશૂટ ઉમેદવારને સ્થાન આપ્યું હતું. ગત વિધાનસભાની વાત કરવામાં આવે તો જામનગર ઉત્તર બેઠક પર જે ઉમેદવારોએ ભાજપ તરફથી દાવેદારી કરી હતી.તે દાવેદારોને પડતા મૂકીને ભાજપે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર સી ફળદુને લડાવ્યા હતા.
જેને લઇને ભાજપમાં એક એવો કકડાટ ઉઠ્યો છે કે આ પ્રક્રિયા સેન્સ પ્રક્રિયા છે કે નોનસેન્સ પ્રક્રિયા ?? સેન્સમાં હાજર રહેલા ઉમેદવારોમાંથી પસંદગી કરવામાં આવે એમ ઇચ્છુક ઉમેદવારોએ મત દર્શાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here