જામનગર જિલ્લામાં માત્ર ૫ ટકા વિસ્તારમાં જ ખરીફ વાવેતર બાકી

0
349

જામનગર જિલ્લામાં સચરાચર વરસાદના પગલે ખરીફ પાક નું ચિત્ર સ્પષ્ટ થયું છે. આ વખતે ખેડૂતોએ કપાસ અને મગફળીના પાકને સરખું પ્રાધાન્ય આપ્યું છે. ખેતીવાડી શાખાના અંતિમ રિપોર્ટ મુજબ જિલ્લામાં 3.27 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેમાં ત્રણ લાખ સાત હજાર હેક્ટરમાં કપાસ અને મગફળીનો સમાવેશ થાય છે.

જામનગર જિલ્લામાં આ વર્ષે કપાસ અને મગફળીના પાકને ખેડૂતોએ પ્રાધાન્ય આપ્યું છે ખરીફ સીઝનના પ્રથમ સારા વરસાદના પગલે ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું છે. તેમાં સૌથી વધુ વાવેતર કાલાવડ તાલુકામાં ત્યારબાદ જામનગર અને સૌથી ઓછું વાવેતર જોડિયા તાલુકામાં થયું છે. જિલ્લામાં 1,54,217 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ધ્રોલ તાલુકામાં 18,485 હેક્ટર, જામજોધપુર તાલુકામાં 27,661 હેક્ટર, જામનગર તાલુકામાં 32,158 હેક્ટર, જોડિયા તાલુકામાં 1655  હેક્ટર, કાલાવડ તાલુકામાં 36,786 હેક્ટર અને લાલપુર તાલુકામાં 22,752 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લાના છ તાલુકાઓમાં 1,54,217 હેક્ટરમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.

 આ જ રીતે મગફળીના પાકની વાત કરવામાં આવે તો ધ્રોલ તાલુકામાં  15980 હેક્ટર જામજોધપુર તાલુકામાં 24,791 હેક્ટર, જામનગરમાં 30,991 હેક્ટર, જોડિયા તાલુકામાં 9565 હેક્ટર, કાલાવડ તાલુકામાં 39,683 હેક્ટર, લાલપુરમાં 32,479 હેકટર મળીને કુલ 1,53,479 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જ્યારે અન્ય પાકોની વાત કરવામાં આવે તો જિલ્લામાં તુવેરનું 309 હેક્ટરમાં, મગનું 1410 હેક્ટરમાં, અડદનું 1644 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે દિવેલાનું 69 હેક્ટરમાં, સોયાબીનનું 2282 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 8942 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે 383 હેક્ટરમાં અન્ય ખરીફ પાકનું વાવેતર થયું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી રિતેશ ગોહિલે જણાવ્યું છે.

જામનગર જિલ્લાની કુલ ૩.61 લાખ હેક્ટર ખરીફ પાકને લાયક જમીન પૈકી તારીખ 16/7/2022 સુધીમાં 3,27,498 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે. હવે માત્ર 5% જ વાવેતર બાકી છે. જો વરસાદ વધુ ખેંચાય તો ખેડૂતોને આ પાંચ ટકામાં એરંડા નો પાક વાવવાની ખેતીવાડી અધિકારીએ સલાહ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here