જામનગરમાં શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં મેલડી માતાના મંદિરની સામે આવેલ ગોડાઉનમાંથી ચાર માસના ગાળા દરમિયાન રૂપિયા 4,80,000ની કિંમત પિતળ-લોખંડ અને કોપરના ભંગારની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરમાં ગોકુલ નગર મોમાઈમાં નવાનગર સોસાયટી શેરી નંબર 3માં રહેતા મહેશભાઈ ભુપતભાઈ ફળિયાના શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં મેલડી માતાના મંદિરની સામે આવેલા સેડમાંથી ભંગારની ચોરી થવા પામી છે. ગોડાઉનના પાછળના ભાગે આવેલ શટરના તાળા તોડી અજાણ્યા શખ્સોએ અંદર પ્રવેશ કરી ગોડાઉનમાં રાખવામાં આવેલ પિત્તળની રવાન તથા પિત્તળનો ઠાહો અને લોખંડ-પિત્તળનો ભંગાર અને કોથળા અને બાચકામાં રહેલ પ્લાસ્ટિકની સર્કિટ મળી કુલ ત્રણ ટન જેટલા સમાનની ચોરી કરી ગયા હતા. રૂપિયા 4,80,000નો મુદ્દામાલ ચોરી થઈ જતા મહેશભાઈ પંડ્યાએ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમોએ ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે કે નારીયા સહિતના સ્ટાફે શંકરટેકરી વિસ્તારમાં પહોંચી જુદા જુદા સીસીટીવી ફૂટેજ કબ્જે કરી આરોપીઓ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.