પબુભાને લઈને આઈબીએ હાથ ધર્યો સર્વે ?

0
1358

જામનગર : તાજેતરમાં મોરારીબાપુ પર હુમલો કરવાના પ્રયાસને લઈને ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સામે રાજ્યભરમાં રોષ ફાટી નીકળ્યો છે. સરકારે પણ બંને પક્ષે સમાધાનની ફોર્મ્યુલા અપનાવી હતી. પરંતુ કોઈ પણ કારણોસર સમાધાન થયું નથી. સોમવારે સંતોના મંડળે સીએમ સાથે મીટીંગ કરી હતી. તો બીજી તરફ દ્વારકા જીલ્લાના એસપી આ મીટીંગ બાદ પબુભાને મળ્યા હતા. આ ઘટના ક્રમ વચ્ચે સરકારની જ ગુપ્તચર સંસ્થા દ્વારા પબુભાને લઈને સર્વે હાથ ધરવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે. ત્યારે આગામી સપ્તાહમાં આ પ્રકરણનો અંત આવી જવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મોરારીબાપુએ ભગવાન કૃષ્ણ અને બલરામ તેમજ તેના વંશ વિષે કરેલ ટીપ્પણીઓ બાદ વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે. ત્યારબાદ દ્વારકા ખાતે આહીર સમાજની હાજરીમાં દ્વારકા ખાતે આવી મોરારી બાપુએ પોતાના કથનો અંગે માફી માંગી હતી. બરાબર આ જ સમયે જે કક્ષમાં મોરારીબાપુ મીડિયાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ ભાજપનાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક આવી ચડ્યા હતા અને મોરારીબાપુ સુધી પહોચી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતને લઈને વિવાદ વકર્યો હતો. પબુભા સામે આહીર સમાજની સાથે સંત અને સાધુ સમાજ મેદાને આવી વિરોધ કર્યો હતો.

બીજી તરફ ભાજપના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા મોરારીબાપુને મળ્યા હતા. આ મુલાકત સમાધાનનો એક ભાગ હોવાની અટકળો માનવામાં આવી હતી પરંતુ મીટીંગ બાદ ચુડાસમાએ કાયદો કાયદાનું કામ કરસે એમ કહેતા વિવાદ યથવાત રહ્યો હતો. ત્યારબાદ રાજયભરમાં અમુક શહેરોમાં બંધ તેમજ દરેક જિલ્લાઓમાંથી પબુભા સામે પગલા ભરવાની માંગ ઉઠી હતી. પબુભા માફી માંગે તેવી માંગ ઉઠવા પામી છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.

આવી સ્થિતિ વચ્ચે  સંતો અને સીએમ વચ્ચે મીટીંગ થઇ હતી. આ મીટીંગ બાદ ફરી આ પ્રકરણમાં નવો અધ્યાય શરુ થયો છે. પબુભાએ મગનું નામ મરી નહિ પાડતા સરકારની એક ગોપનીય એજન્સીએ સર્વે હાથ ધર્યો હોવાની વિગતો સામે આવી છે. સ્થાનિક નગરપાલિકાઓ અને રાજકીય અગ્રણીઓને મળી આઈબીની એક ટીમ પબુભા અંગે ગુપ્ત સર્વે કરી રહી છે અને રાજકીય નેતાઓ ઉપરાંત જ્ઞાતિ આધારિત સમીકરણોને લઈને પણ ક્યાસ કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે આ બાબતે આઈબીએ કઈ કહેવાનો ઇનકાર કર્યો છે પરંતુ ભાજપ સાથે સંકળાયેલ રાજકીય આગેવાનો આ સર્વેને સમર્થન આપ્યું છે. આઈબી સર્વે કરી રહ્યું છે એવું સુત્રોનું માની લેવામાં આવે તો આ ગતિવિધિ સરકારમાંથી જ થઇ રહી છે એમ માનવામાં પણ કોઈ અતિશયોક્તિ નથી. સર્વેના પરિણામો બાદ કદાચ દ્વારકા જિલ્લાના રાજકારણમાં ઉથલપાથલ થઇ શકે એમ પણ સુત્રો માની રહ્યા છે. તો બીજી તરફ ભાજપાના જ અને પબુભાની નજીકમાં રહેલ એક જૂથના જણાવ્યા મુજબ આગામી સપ્તાહ સુધીમાં આ પ્રકરણનો સુખાંત આવી જશે.આ તમામ ઘટમાળ વચ્ચે એક વાત ચોક્કસ છે કે પભુભા દ્વારકા જીલ્લામાં ખાસ કરીને ઓખા મંડળ પર જબરું પ્રભુત્વ ધરાવે જ છે. અપક્ષ, કોગ્રેસ, ભાજપ સહિતના પક્ષે સાત-સાત વખતથી વિધાનસભા બહુમતીથી જીતી છે. આહીર અને વાઘેર અને સવર્ણ વોટ બેંક ધરાવતી આ બેઠક પર પબુભાએ મહતમ વોટબેંક ધરાવતી જ્ઞાતિઓના કદાવર નેતાઓને પછડાટ આપી છે. જીત પર જીત મેળવી પબુભાએ સાબિત કરી જ દીધું છે કે તેઓ કોઈ રાજકીય પક્ષના મ્હોતાઝ નથી, ત્યારે બાપુ સાથેના વિવાદ બાદ ભાજપા પબુભા સામે કુણું વલણ અપનાવે છે કે પછી કોઈ કડક નિર્ણય લ્યે છે ? એ તો આવનારો સમય જ કહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here