જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના રીનારી ગામના પાટિયા પાસે કાલાવડ તરફના રોડ પર પુર ઝડપે દોડતા એક ટ્રેક્ટરે મોટરસાયકલને હડફેટે ચડાવી નીપજાવેલ અકસ્માતમાં મોટરસાયકલ સવાર એક ખેડૂતનું મૃત્યુ નીપજ્યું હતું.
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના રીનારી ગામના પાટીયાથી ૩૦૦ મીટર આગળ કાલાવડ તરફ જતા રોડ પર ગઈ કાલે જી.જે.-૦૩-કે.એ.-૧૯૧૭ નંબરના મોટર સાયકલને તા.૨૨મીની રાત્રે સાડા આઠેક વાગ્યે રોડની ડાબી સાઇડથી કાચા રસ્તેથી પુર ઝડપે ઘસી આવેલ જી.જે.-૧૦-ડી.એ.-૬૫૬૮ નંબરના ટ્રેક્ટર ચાલકે પોતાના ટ્રેક્ટરની ટ્રોલી ભટકાવી અકસ્માત નીપ્જાવ્યો હતો.
જેમાં ચાલક રમેશભાઇ તથા લલીતભાઇ બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા. જેમાં માથાના ભાગે વધારે ઈજા પહોચતા રમેશભાઇ ઉર્ફે તન્ની ડાયાભાઇ ભંડેરી (ઉ.વ.૫૦)નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જયારે લલીતભાઇ કેશુભાઇ પરમારને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતક અને ઘાયલ બાઈક લઇને ચાંવડીથી કાલાવડ મુકામે ઇલેક્ટ્રીક પંખો લેવા માટે જતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.