છોટી કાશી ના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં નવ દિવસના ગણપતિના દિવ્ય મહોત્સવની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી બાદ આજે દસમા દિવસે અનંત ચતુર્દશીએ વિગ્નહર્તા દેવને ભાવભેર વિદાય આપવા માટે વિસર્જનના કાર્યક્રમ યોજાયા હતા, અને અનેક ગણપતિ મંડળ-પાંડાલ ના સંચાલકો દ્વારા ગણપતિ બાપા ની નાની મોટી મૂર્તિઓને વાજતે ગાજતે લઈ જઈ મહાનગર પાલિકા નિર્મિત કુંડ માં મૂર્તિઓને વિસર્જિત કરવા માટે કાર્યક્રમ યોજાયા છે.
જામનગર શહેરમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ૪૦૦ થી પણ વધુ સ્થળે ગણપતિ મહોત્સવ ના આયોજન થયા હતા, અને નાના-મોટા મંડપ સામિયાણાં ઊભા કરીને નવ દિવસના ગણપતિના દિવ્ય મહોત્સવની ભારે ઉત્સાહ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેર સહિતના વિસ્તારોમાં ૨,૦૦૦ થી પણ વધુ રહેવાસીઓએ પોતાના ઘરમાં પણ ગણપતિની મૂર્તિઓ સ્થાપિત કરી હતી, અને આજે અંતિમ દિવસે વિસર્જન ની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.
જેથી આજે જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં ગણેશ ભક્તો દ્વારા પ્રોસેસન કાઢવામાં આવી રહ્યા છે, અને વાજતે ગાજતે વિઘ્નહર્તા દેવ ને ભારે હૈયે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ‘ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના’ ના નાદ સાથે ભગવાન ગણેશજીના મહોત્સવ ની પૂર્ણાહુતિ કરવામાં આવી રહી છે.
સમુદ્રમાં ગણપતિને મૂર્તિઓને વિસર્જિત કરવા માટેનો પ્રતિબંધ ફરમાવ્યા પછી સતત પાંચમા વર્ષે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના હાપા તેમજ લાલપુર બાયપાસ ચોકડી સહિતના અલગ અલગ બે સ્થળોએ વિસર્જનકુંડ બનાવાયા છે. જ્યાં મોટાભાગે ગણપતિની મૂર્તિઓના વિસર્જન ના કાર્યક્રમો યોજાયા છે. પ્રથમ દિવસથી જ ગણપતિ વિસર્જન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, અને ગઈકાલ સુધીમાં બન્ને વિસર્જન કુંડમાં ૧૫૯૯ ગણપતિની મૂર્તિઓ વિસર્જિત કરી દેવાઇ છે.
જયારે આજે અંતિમ દિવસે બંને સ્થળોએ ૩૦-૩૦ થી વધુ તરવૈયાઓ સાથેના સ્ટાફ ને ગોઠવી દેવામાં આવ્યા છે, અને વહેલી સવારથી વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
નાની મૂર્તિઓને હાથેથી લઈને મૂર્તિ વિસર્જિત કરાવાઈ રહી છે, જ્યારે મોટી મૂર્તિઓ માટે બંને વિસર્જન માટે હાઇદ્રા ક્રેઇન ની વ્યવસ્થા ગોઠવાઈ છે. તેના માધ્યમથી ગણપતિની મૂર્તિઓને વિસર્જનકુંડમાં આસ્થાભેર વિસર્જિત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ ના જવાનો ઉપરાંત પોલીસ અને હોમગાર્ડના જવાનો ની ટીમ પણ બંદોબસ્ત ના ભાગરૂપે ખડે પગે રહી છે.
આ ઉપરાંત ગણપતિ વિસર્જનના પ્રોસેસન દરમિયાન જામનગર શહેરમાં ટ્રાફીક જામની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક શાખાની ટીમ પણ કવાયત કરી રહી છે.