જામનગર : જામનગરમાં બુધવારે સવારે એક સાથે પાંચ દર્દીઓને કોવીડ હોસ્પિટલમાંથી રજા આપી દેવાતા આરોગ્ય તંત્રને થોડી ધરપત થઇ હતી, પરંતુ સાંજ સુધીમાં આ ધરપત થોડી ચિંતામાં પ્રવર્તિત થઇ હતી. ગઈ કાલે જામનગરમાંથી ૭૨, પોરબંદરમાંથી ૫૫, દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી ૮૧, મોરબીમાંથી ૭૩ મળી કુલ ૨૮૧ શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓ જીજી હોસ્પીટલમાં પરીક્ષણ અર્થે આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન ચાલેલ પરીક્ષણ વિધિ બાદ પરિણામ જાહેર થયા હતા. જેમાં પોરબંદરમાં કાર્યરત દેશની સુરક્ષા એજન્સીના વધુ આઠ જવાનો કોરોના પોજીટીવ જાહેર થયા હતા. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ પોરબંદરની આ જ સુરક્ષા એજન્સીના આઠ જવાનો પોજીટીવ આવ્યા બાદ વધુ આઠ જવાનોમાં કોરોના સંક્રમિત થયો છે. આ તમામ ૧૬ જવાનોને જામનગર આર્મી હોસ્પીટલ ખસેડાયા છે. જયારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી પણ એક-એક દર્દી પોજીટીવ જાહેર થયા હતા. જેમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષીય પુરુષ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે અમદાવાદથી આવેલ ૩૩ વર્ષીય એક યુવાનનનો સમાવેશ થાય છે. હાલ આ યુવાન નંદાણા ગામે શાળામાં ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું આરોગ્ય તંત્રએ જાહેર કર્યું છે. હાલ જામનગર ની કોવિડ હોસ્પિટલમાં ચાર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.